December 25, 2024

ડિજિટલ ડાકુઓથી ગુજરાતીઓ પરેશાન, ઉચ્ચ શિક્ષિત લોકો સાથે વધુ છેતરપિંડી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ અવેરનેસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ છતાં સાઇબર ફ્રૉડ અટકવાનું નામ નથી લેતા.

અમદાવાદ: તમારા બેંક એકાઉન્ટ જ નહીં તમારા ગૂગલપે કે પેટીએમ પર પણ કોઈની નજર રહેલી છે. એ લોકો તમારા ડિજિટલ ખિસ્સામાંથી તમારી પરસેવાની કમાણી પચાવી શકે છે. અમે સાઇબર ક્રિમિનલ્સની વાત કરી રહ્યા છીએ. સાઇબર ક્રિમિનલ્સથી ગુજરાતીઓને કેટલું નુકસાન થઈ રહ્યું છે એનો આંકડો જાણી તમારી આંખો પહોંળી થઇ જશે. રાજ્યમાં દર મહિને સરેરાશ 100 કરોડથી વધુની સાઇબર ઠગાઈ થઇ રહી છે. જેમાં અભણ કરતાં ઉચ્ચ શિક્ષિત લોકો વધારે તેના ભોગ બની રહ્યા છે.

ગુજરાતમાંથી લગભગ 1.21 લાખ લોકોએ 2023માં નેશનલ સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર કોલ કર્યો હતો. એટલે કે દર ચાર મિનિટે એક કોલ કરવામાં આવ્યો હતો. આ મામલે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ગુજરાત ત્રીજા સ્થાને છે. જોકે, બહું થોડી ફરિયાદો FIRમાં કન્વર્ટ થાય છે. ગુજરાતીઓને સાઇબર ક્રિમિનલ્સ કઈ કઈ રીતે ટાર્ગેટ કરી રહ્યા છે એ જાણવું જરૂરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ અવેરનેસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ છતાં સાઇબર ફ્રૉડ અટકવાનું નામ નથી લેતા.

સૌથી વધુ થતાં સાઇબર ફ્રૉડ
– શેરમાર્કેટમાં રિટર્ન કમાવી આપવાની લાલચ આપી ફ્રૉડ
– બનાવટી ઓળખ
– ચાઇનીઝ એપની લાલચ
– લોન અપાવવાના નામે છેતરપિંડી
– કસ્ટમર કેરના નામે ઠગાઈ
– ઇમેઇલ મોકલીને બેંકની વિગતો મેળવવાની કોશિશ

દુનિયાભરના સાઇબર ક્રાઇમ એક્સપર્ટ્સના એક નવા રિસર્ચ અનુસાર ભારત સાઇબર ક્રાઇમ્સના મામલે 10માં સ્થાને છે. જેમાં વિશ્વ સાઇબર ક્રાઇમ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. આ ઇન્ડેક્સમાં 100 દેશોને રેન્કિંગ આપવામાં આવ્યું છે. જેમાં રેન્ડસમવેર, ક્રેડિટ કાર્ડની ચોરી અને ગોટાળા સહિત સાઇબર ક્રાઇમની જુદી-જુદી કેટેગરી અનુસાર મુખ્ય હોટસ્પોટ્સની પસંદગી કરવામાં આવી છે.

મુખ્ય હોટસ્પોટ્સ
– ઇન્ડેક્સમાં ટોચ પર રશિયા, સ્કોર 58.39
– બીજા સ્થાને યુક્રેન, સ્કોર 36.44
– ત્રીજા સ્થાને ચીન, સ્કોર 27.86
– ચોથા સ્થાને, અમેરિકા, સ્કોર 25.01
– પાંચમાં સ્થાને નાઇજિરિયા, સ્કોર 21.28
– છઠ્ઠા સ્થાને રોમાનિયા, સ્કોર 14.83
– સાતમાં સ્થાને ઉત્તર કોરિયા, સ્કોર 10.61
– આઠમાં સ્થાને UK, સ્કોર 9.01
– નવમાં સ્થાને બ્રાઝિલ, સ્કોર 8.93
– દસમાં સ્થાને ભારત, સ્કોર 6.13

ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સના એક્સપર્ટ્સે સાઇબર ક્રાઇમ પર આ ગ્લોબલ સ્ટડી કરી છે. જેના આધારે આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં સાઇબર ક્રાઇમની ઘટનાઓમાં બેંકના અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી છે.

આ પણ વાંચો: દેશના 13 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

સાઇબર ક્રિમિનલ્સ ભરપૂર ક્રિએટિવિટીનો ઉપયોગ કરીને રોજેરોજ સામાન્ય લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. જોકે, સરકારે સાઇબર અપરાધીઓના ઇરાદાઓને નિષ્ફળ બનાવવા માટે એક સિસ્ટમ બનાવી છે. જેની અસરો જોવા મળી રહી છે. ભારતની યુનિક સાઇબર ફ્રોડ રિપોર્ટિંગ સિસ્ટમના કારણે 600 કરોડથી વધુ રૂપિયા ઓનલાઇન ઠગબાજો સુધી પહોંચતા અટક્યા છે. મની-લોન્ડરિંગ અને આતંકવાદ માટે ભંડોળને અટકાવવા માટેની ઇન્ટરનેશનલ સંસ્થાએ આ જાણકારી આપી છે.

ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, સિટીઝન ફાઇનાન્શિયલ સાઇબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમને એપ્રિલ 2021માં ભારતમાં લોન્ચ કરવામાં આવી ત્યારથી છેતરપિંડીવાળા 600 કરોડનાં ટ્રાન્ઝેક્શન્સને અટકાવવામાં આવ્યાં છે. જે આ સિસ્ટમની ક્ષમતા સૂચવે છે. ગૃહ મંત્રાલયની બ્રાન્ચ ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા ડેવલપ કરવામાં આવેલી આ એક ઓનલાઇન સિસ્ટમ છે. જેનો હેતુ ફાઇનાન્શિયલ સાઇબર ફ્રોડના ઝડપી રિપોર્ટિંગ તેમજ ફ્રોડની કમાણી ઠગબાજો સુધી પહોંચતી અટકાવવાનો છે. આ સિસ્ટમ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસ તેમજ બેન્કો, વર્ચ્યુઅલ વોલેટ્સ, પેમેન્ટ એગ્રેગેટર્સ અને ગેટવેઝ, ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ સહિત 243 ફાઇનાન્શિયલ સંસ્થાઓને સાથે લાવી છે. હવે, અમે ભારતમાં સાઇબર ક્રાઇમના હોટસ્પોટ્સની જાણકારી આપીશું.

ભારતમાં સાઇબરક્રાઇમનાં કુખ્યાત હોટસ્પોટ્સ તરીકે રાજસ્થાનના ભરતપૂર અને ઉત્તર પ્રદેશના મથુરાએ ઝારખંડના જમતારા અને હરિયાણાનાં નૂંહને રિપ્લેસ કર્યા છે. એક સ્ટાર્ટઅપ દ્વારા કરવામાં આવેલા એક નવા સ્ટડીનાં આ તારણો છે. આ સ્ટડીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે દેશમાં 80 ટકા સાઇબરક્રાઇમ્સ તો ટોચના 10 જિલ્લામાં જ થાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-કાનપુરના સપોર્ટથી ચાલતા નોન પ્રોફિટ સ્ટાર્ટઅપ ફ્યૂચર ક્રાઇમ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આ તારણો રજૂ કરવામાં આવ્યા છે.આ એનાલિસિસનું ફોકસ જ્યાં સૌથી વધુ પ્રમાણમાં સાઇબરક્રાઇમ્સ થાય છે એવા ભારતમાં ટોચના 10 જિલ્લાઓ પર હતું. સાઇબરક્રાઇમ્સને અટકાવવા માટે આ જિલ્લાઓમાં સાઇબરક્રાઇમ્સ માટેનાં મહત્ત્વનાં ફેક્ટર્સને સમજવા જરૂરી છે. આ જિલ્લાઓમાં મુખ્ય અર્બન સેન્ટર્સથી ઓછું અંતર, મર્યાદિત સાઇબર સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક પડકારો અને ડિજિટલ સાક્ષરતાનું ઓછું પ્રમાણ જેવાં અનેક કોમન ફેક્ટર્સ છે.હવે, અમે તમને સાઇબર ઠગોની જાળમાંથી ફસાવવાથી બચવા શું કરવું જોઈએ એની જાણકારી આપીશું.

શું કાળજી રાખવી?
– દરેક એકાઉન્ટ માટે અલગ પાસવર્ડ રાખો
– એન્ટિ-વાયરસ અને એન્ટિ-માલવેર સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરો અને અપડેટ રાખો
– જાહેરમાં Wi-Fi નેટવર્ક્સનો ઉપયોગ કરતી વખતે સંવેદનશીલ ડેટા ઍક્સેસ કરવાનું ટાળો
– તમારા મહત્વપૂર્ણ ડેટાનું નિયમિતપણે બેકઅપ લો અને તેને ઑફલાઇન કરો સ્ટોર
– શંકાસ્પદ ઇમેઇલ અથવા લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો
– તમારી નાણાકીય માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવાનું ટાળો
– ઓનલાઇન ખરીદી કરતી વખતે વિશ્વસનીય વેબસાઇટ્સનો ઉપયોગ કરો
– ઓનલાઇન પેમેન્ટ્સ કરતી વખતે સુરક્ષિત કનેક્શનનો કરો ઉપયોગ

દેશ અને દુનિયામાં સાઇબર ક્રાઇમ્સનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના કારણે પણ જોખમ ખૂબ જ વધ્યું છે. કેમ કે, એના લીધે તમારો અવાજ છીનવાઈ શકે છે, તમારો ચહેરો અને શરીર પણ છીનવાઈ શકે છે. ઠગબાજો અવાજની નકલ કરીને ફ્રોડ કરે છે. સાથે જ એઆઈનો ઉપયોગ કરીને ખોટી તસવીરો અને વિડીયો પણ બનાવે છે. એટલા માટે જ ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે.