November 15, 2024

રાજસ્થાનથી અફીણ લાવીને સુરતમાં સપ્લાય કરતો શખ્સ ઝડપાયો

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેર પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ પેડલરો, દારૂનું વેચાણ કરતા બુટલેગરો તેમજ અન્ય નશા યુક્ત સીરપોનું વેચાણ કરતી મેડિકલ સ્ટોર તેમજ અલગ અલગ જગ્યા ઉપર દોરડા પાડીને પોલીસ દ્વારા અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સુરતની ખટોદરા પોલીસે રાજસ્થાનથી અફીણ લાવી સુરતમાં અલગ અલગ જગ્યા પર અફીણની સપ્લાય કરતા ઈસમની ધરપકડ કરી છે.

સુરતની ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે ખટોદરાના શ્રીરામ માર્બલ સામે શિવાની કોમ્પ્લેક્સમાં રહેતા એક ઈસમ પાસે નશીલા પદાર્થો છે અને તે તેનું વેચાણ સુરત સીટીમાં અલગ અલગ જગ્યા પર કરે છે. ત્યારે આ બાતમીના આધારે ખટોદરા પોલીસના સ્ટાફ દ્વારા શિવાની કોમ્પ્લેક્સના D-304 નંબરના ફ્લેટમાં રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન હનુમાન રામ છોટુરામ ચૌધરી નામના ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ ઈસમ પાસેથી પોલીસને નસાયુક્ત નાર્કોટિક્સ માદક પદાર્થ અફીણ મળ્યું હતું. જેનું વજન 2480 ગ્રામ છે અને તેની કુલ કિંમત 12,40,300 રૂપિયા થાય છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે હનુમાન રામ રાજસ્થાનથી અફીણ લાવતો હતો અને સુરતમાં અલગ અલગ જગ્યા પર રહેલા ગ્રાહકોને તે સપ્લાય કરતો હતો. આ ઉપરાંત અફીણનું વજન વધારવા માટે મત સહિત કેટલીક વસ્તુની પણ ભેળસેળ કરતો હતો. જેથી કરીને અફીણનું વજન વધે અને તે આવ ભેળશેળ યુક્ત અફીણનું વેચાણ કરીને વધારે નફો મેળવી શકે.

ખટોદરા પોલીસે હનુમાન રામ છોટુરામ ચૌધરીની ધરપકડ કરી તેની પાસેથી અફીણ ઉપરાંત એક મોબાઇલ એક વજન કાંટો, 98 નંગ પ્લાસ્ટિકની કોથળીનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. હાલ ખટોદરા પોલીસે એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8 સી, 18 સી અને 29 મુજબ ગુનો દાખલ કર્યો છે અને અગાઉ આ ઈસમ કેટલી વખત રાજસ્થાનથી આ પ્રકારે અફીણ લાવ્યો હતો અને અત્યાર સુધીમાં કોને કોને આપીને સપ્લાય કરી ચૂક્યો છે તે બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.