July 2, 2024

ડુંગરપુરના ભાદર જંગલમાં કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મી પર દીપડાનો હુમલો

ચૌરાસી (ડુંગરપુર): ડુંગરપુર જિલ્લાના ભાદર જંગલ વિસ્તારના ગાડિયા ભાદર મેટવાલા ગામમાં એક દીપડાએ મીડિયા પર હુમલો કર્યો. દીપડો નીલગાયનો શિકાર કર્યા બાદ ઝાડીઓમાં છુપાઈ ગયો હતો. દીપડાનો પીછો કરી રહેલા લોકો વચ્ચે કવરેજ કરી રહેલા મીડિયા કર્મચારી પર આ દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. દીપડાએ મીડિયાકર્મીનો પગ પોતાના જડબામાં પકડ્યો હતો. મીડિયાવાળાએ અને લોકોએ હિંમત એકઠી કરીને દીપડાને દોરડાથી બાંધી દીધો હતો. ત્યારબાદ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. બીજી બાજુ વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી દીપડાને બચાવી લીધો હતો.

ગડિયા ભાદર મેટવાલા ગામમાં એક ઘરની પાછળ મેઘ તળાવ પાસે એક દીપડો જોવા મળ્યો હતો. દીપડો નીલગાયનો શિકાર કર્યા બાદ ઝાડીઓમાં છુપાઇને બેઠો હતો તે દરમિયાન ગામના લોકો એકઠા થઈ ગયા હતા જેમાં વિનોદ કટારા, ડેપ્યુટી સરપંચ સુરેશ, શંકર કટારા, પ્રભુ કટારા, મણીલાલ કટારા, કાલુરામ તબિયાડ, જ્યોતિલાલ બુજ સહિત ગામના ઘણા લોકો એકઠા થયા હતા. બાંકસીયા નિવાસી મીડિયાકર્મી ગુણવંત કલાલ પણ ત્યાં કવરેજ માટે પહોંચ્યા હતા. લોકો ઝાડીઓમાં છુપાયેલા દીપડાને જંગલ તરફ ભગાડવાની કોશિશ કરી રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ટેકરી પર ઉભા રહીને જોઈ રહ્યા હતા તે જ સમયે દીપડો જંગલ તરફ ભાગવાને બદલે લોકો તરફ દોડવા લાગ્યો અને દીપડાએ મીડિયાકર્મી ગુણવંત કલાલ પર હુમલો કર્યો હતો.

દીપડાએ ગુણવંતનો એક પગ તેના જડબામાં પકડી લીધો. દીપડાએ હુમલો કરતાની સાથે જ ત્યા હાજર રહેલા અન્ય લોકો ભાગી ગયા હતા. પોતાને બચાવવા ગુણવંતે દીપડાના જડબામાં બીજા પગ વડે માર્યો હતો જેના કારણે પગ છૂટી ગયો હતો, પરંતુ દીપડાએ ફરી હુમલો કરીને જડબામાં હાથ પકડી લીધો હતો ત્યારબાદ બંને વચ્ચે લગભગ 5 મિનિટ સુધી સંઘર્ષ ચાલુ રહ્યો. બીજી બાજુ દૂરથી જોઈ રહેલા લોકોએ હિંમત એકઠી કરી અને પછી દીપડાને ભગાડવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. લોકોએ દોરડા વડે દીપડાને બાંધવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ભારે જહેમત બાદ દીપડો લોકોએ પકડી લીધો હતો અને દીપડાને દોરડાથી બાંધી દીધો. આ જ દીપડાના હુમલામાં ગુણવંત કલાલને હાથ, પગ અને શરીર પર ઘણી જગ્યાએ ઈજા થઈ હતી, જેના કારણે તેને લોહી વહેવા લાગ્યું હતું. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને સારવાર હાથ ધરવામાં આવી હતી. આ અંગેની માહિતી મળતા વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી દીપડાને બચાવી લીધો હતો.