વડોદરામાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની સામાન્ય સભા યોજાઈ
વડોદરા: અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની રાષ્ટ્રીય સાધારણ સભા સ્વામિનારાયણ મંદિર, અટલાદરા વડોદરામાં ચાલી રહેલી છે જેમાં દેશભરમાંથી કુલ 250 કાર્યકર્તાઓ આવેલા છે. આ સભામાં આશિર્વચન આપવા માટે વડોદરા ઇસ્કોન મંદિરનાં નિત્યાનંદ સ્વામી અને મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેરના સ્થાનિક સાંસદ રંજનબેન ભટ્ટ અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ પટેલ તેમજ ગ્રાહક પંચાયતના રાષ્ટ્રીય અધ્યક્ષ નારાયણભાઈ શાહ, રાષ્ટ્રીય સંગઠન મંત્રી દિનકરજી સબનિશ, રાષ્ટ્રીય સચિવ રુણરાવ દેશપાંડે ઉપસ્થિત રહ્યા હતા.
તમને જણાવી દઇએ કે, આ સભામાં ગ્રાહકોને લગતા જુદા જુદા પ્રશ્નો જેવા કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, MRPની માયાજાળ, સોશિયલ મીડિયામાં પ્રસારિત થતી ખોટી અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો, ઓનલાઇન ગેમ અને ઓટીટી પ્લૅટફૉર્મની વિદ્યાર્થીઓ, પરિવાર અને સમાજ પર થતી વ્યાપક અસરો જેવા વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે. જેને લઇને સરકારની ગ્રાહક નીતિઓ અંગે ગ્રાહક હિતમાં ચર્ચા કરીને પ્રસ્તાવ પસાર કરી કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવશે.
વિશ્વની તમામ આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્રમાં ગ્રાહક જ છે. ગ્રાહક અર્થતંત્રનો મુખ્ય આધાર છે. જો ગ્રાહક બાદ થશે તો સઘળી આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઇ જશે. ગ્રાહક પંચાયત મુખ્યત્વે ગ્રાહકની સાથે રહીને કાર્ય કરે છે અને ગ્રાહક માર્ગદર્શન સેવા કેન્દ્ર પર ગ્રાહક સમસ્યાનું સંવાદ અને સમજણથી સમાધાન કરાવવામાં આવે છે.