December 24, 2024

ઉજ્જૈનમાં ભસ્મ આરતી સમયે ગર્ભગૃહમાં લાગી આગ, 14 લોકો દાઝ્યાં

Madhya Pradesh: મધ્ય પ્રદેશના મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં પૂજારી સહિત 14 લોકો દાઝી ગયા હતા. જેમાંથી 6 લોકોની હાલત ગંભીર છે. આરતી દરમિયાન ગુલાલ ઉડાડ્યા બાદ આગ લાગી હતી. ધુળેટીના કારણે ગર્ભગૃહમાં એક આવરણ લગાવવામાં આવ્યું હતું. જેમાં કારણે આગ લાગી હતી અને ભક્તો પર પડી હતી. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાની તપાસ કરવામાં આવશે
ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંહે ઘટના અંગે જણાવ્યું હતું કે સવારે ભસ્મ આરતી દરમિયાન આગનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જ્યારે પૂજા ચાલી રહી હતી. આ આગમાં 13 લોકો દાઝી ગયા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક તબક્કે આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ કરવામાં આવશે.

અમિત શાહે CM સાથે વાત કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાકાલ મંદિરમાં આગ લાગવાની ઘટના અંગે મુખ્યમંત્રી મોહન યાદવ સાથે વાત કરીને ઘટનાની માહિતી મેળવી છે. અમિત શાહે X પર લખ્યું છે કે, સ્થાનિક પ્રશાસન ઘાયલોને મદદ અને સારવાર આપી રહ્યું છે. હું બાબા મહાકાલને પ્રાર્થના કરું છું કે ઘાયલો ઝડપથી સાજા થઈ જાય.

હોળીની શરૂઆત ફૂલોથી થઈ
મહત્વનું છેકે, વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વરના પ્રાંગણમાં રવિવારે સાંજે હોળી પર્વની શરૂઆત થઈ હતી.સાંજની આરતીમાં હજારો ભક્તોએ બાબા મહાકાલ સાથે ગુલાલથી હોળી રમી હતી. આ બાદ મહાકાલના આંગણે હોળીકા દહન કરવામાં આવ્યું હતું. ભક્તોએ રવિવારે ભસ્મ આરતીમાં 51 ક્વિન્ટલ ફૂલોની હોળી રમીને ઉત્સવની શરૂઆત કરી હતી. બપોરના સમયે બાબા મહાકાલે મહાકાલ મંડપમાં માતા પાર્વતીની સાથે તેમના ભૂતોની સેના સાથે નૃત્ય-ગાન કરીને ભારે ઉત્સાહ સાથે હોળી રમી હતી. .

નાસભાગમાં 35 લોકોના મોત થયા હતા
આજથી લગભગ 30 વર્ષ પહેલા મહાકાલ મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી. તે દરમિયાન લગભગ 35 લોકોના મોત થયા હતા. એ બાદ એકવાર મંદિર પરિસરમાં ઝાડ પડવાથી બે લોકોના મોત થયા હતા.