November 15, 2024

લેબનોનમાં પેજર બ્લાસ્ટ બાદ હવે વોકી-ટોકીમાં થયા વિસ્ફોટ, 9 લોકોના મોત

Radio set explodes: લેબનોનમાં પેજર સિરિયલ બ્લાસ્ટ બાદ બુધવારે ફરી એક પછી એક વિસ્ફોટો થયા છે. લેબનોનમાં હિઝબુલ્લાહ લડવૈયાઓના કબજામાં રહેલા પેજરમાં અનેક વિસ્ફોટો બાદ બુધવારે ફરી એકવાર અનેક વિસ્ફોટ થયા છે. આ વખતે વોકી ટોકીઝ અને રેડિયો સેટને નિશાન બનાવવામાં આવ્યા છે. જેમાં 9 લોકોના મોત અને 300 ઘાયલ થયા છે.  સુરક્ષા સુત્રોએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા વોકી-ટોકીઝ અને રેડિયો સેટ બુધવારે બપોરે લેબનોનના દક્ષિણ અને બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં વિસ્ફોટ થયા હતા. પેજર બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો. આ દરમિયાન અચાનક વોકી-ટોકીમાં વિસ્ફોટો થયા હતા. નોંધનીય છે કે, આ તમામ વોકી ટોકીઝ 5 મહિના પહેલા ખરીદાયા હતા.

હિઝબુલ્લાહે લગભગ પાંચ મહિના પહેલા પેજર્સની જેમ પણ આ ઉપકરણો ખરીદ્યા હતા. હિઝબુલ્લાહના ટોચના અધિકારી હાશેમ સફીદ્દીને વિસ્ફોટો અંગે કહ્યું કે સંગઠન ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે, પરંતુ તેનો બદલો લેવામાં આવશે. રોઇટર્સ અનુસાર, આ વાયરલેસ રેડિયો સેટનો ઉપયોગ હિઝબુલ્લાહ લડવૈયાઓ દ્વારા કરવામાં આવી રહ્યો હતો. દેશના દક્ષિણી ભાગ અને રાજધાની બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં આ કોમ્યુનિકેશન ડિવાઈસમાં વિસ્ફોટ થયા છે. હિઝબુલ્લાહ દ્વારા પેજર બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા તે સ્થળે પણ વિસ્ફોટ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, લેબનોનમાં પેજરમાં થયેલા બ્લાસ્ટને કારણે અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા જ્યારે 4000 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં લેબનોનમાં ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે પેજર્સને હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ પેજર્સનો ઉપયોગ હિઝબોલ્લાહના લડવૈયાઓ કરે છે. આ વિસ્ફોટ પાછળ ઈઝરાયેલનો હાથ હોવાનું કહેવાય છે. હુમલા બાદ હિઝબુલ્લાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે આ હુમલા પાછળ ઈઝરાયેલનો હાથ છે. જોકે ઈઝરાયેલે અત્યાર સુધીમાં આ અંગે કંઈ કહ્યું નથી.

ઘણા મીડિયા અહેવાલો અનુસાર ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહને નિશાન બનાવવા માટે પેજર સાથે છેડછાડ કરી હતી. પાંચ મહિના પહેલા મેન્યુફેક્ચરિંગ કંપનીઓની મિલીભગતથી આ પેજરોમાં વિસ્ફોટકો ફીટ કરવામાં આવ્યા હતા. લેબનોનમાં મંગળવારે અચાનક ઘરો, શેરીઓ અને બજારોમાં લોકોના ખિસ્સામાં વિસ્ફોટ થવા લાગ્યા હતા. લેબનોનથી લઈને સીરિયા સુધી એક કલાક સુધી સતત બ્લાસ્ટ થઈ રહ્યા હતા. આ હુમલાને હિઝબુલ્લાહની કોમ્યુનિકેશન સિસ્ટમ પર સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.