દ્વારકાના શિવરાજપુર ગામે યોજાયો પરંપરાગત મલકુસ્તી મેળો, 300 કુસ્તીબાજોએ બતાવ્યું કૌશલ
દેવભૂમિ દ્વારકા: આજના આધીન આધુનિક યુગમાં જ્યાં લોકો ઓનલાઈન ગેમ અને મોબાઈલ પૂરતી સીમિત રમતો રમીને પોતાની જાતને સ્માર્ટ ગણે છે ત્યારે બીજી બાજુ રામાયણ અને મહાભારત કાળની આગવી ઓળખ એટલે મલકુસ્તી મેળો. દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર ગામે 500 વર્ષથી પૌરાણિક ભાદરવી પૂનમનો મલકુસ્તી મેળો આજે યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં મલકુસ્તી બાજોએ પોતાનું કૌવત બતાવ્યું હતું.
દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર ગામે મલકુસ્તી મેળાનું આયોજન અતિપૌરાણિક રાજા મહારાજા દ્વારા કરવામાં આવતું હતું અને આ મલકુસ્તીબાજોને રાજાઓ પોતાની સેનામાં ભરતી કરતા હતા અને પોતાના અંગરક્ષક તરીકે નિમણૂક આપતા હતા. ત્યારે, આ સમયમાં હજુ પણ દ્વારકા પાસેના શિવરાજપુર ગામે આ પૌરાણિક પરંપરા ગ્રામજનોએ જાળવી રાખી છે.
શિવરાજપુર જેવા નાના ગામમાં 500 વર્ષથી ઓખા મંડળ બારાડી પંથકમાંથી 200 થી 300 મલકુસ્તી બાજો તેમજ 15 થી 20 હજાર જેટલા મલકુસ્તી પ્રેમી જનતા અહીં આ મેળામાં આવે છે અહીંના મેળામાં મલકુસ્તી બાજો આ મેળામાં ભાગ લે છે અને વિજેતાઓને ઈનામ પણ આપવામાં આવે છે.
આજે શિવરાજપુર વાડી વિસ્તારમાં જાકુપિર ડાડાની દરગાહે આ મલકુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં લોકો આ દેશી WWF ગણાતી મલકુસ્તીને નિહાળવા આવી પહોંચ્યા હતા. અને મલકુસ્તી હરીફાઈમાં પહેલવાનો સ્ફૂર્તિવાન યુવાનોએ આ મેળામાં ભાગ લીધો હતો પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર મલકુસ્તીબાજને ટ્રોફી પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: મોબાઈલ ચોરનું દેવું વધી જતાં ચોરી પોલીસની પિસ્તોલની ચોરી, ક્રાઇમ બ્રાન્ચે કરી આરોપીની ધરપકડ
આ આયોજન શિવરાજપુર ગામના લોકો દ્વારા દર વર્ષે કરવામાં આવે છે અને 500 વર્ષથી અહીં પૌરાણિક ભાદરવી પૂનમનો મેળો યોજાય છે અહીં મલકુસ્તી મેળાનું વિશેષ મહત્વ છે ત્યારે આ મેળાને જોવા દૂર દૂરથી લોકો આવે છે. મલકુસ્તીબાજ પણ ઓખા મંડળ તેમજ કલ્યાણપૂર તેમજ દ્વારકા જિલ્લામાંથી ભાગ લેવા આવતા હોય છે.