Banaskantha : આદિજાતિ કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓને પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આક્ષેપ
બનાસકાંઠા જિલ્લામાં વિરમપુરની આદિજાતિ કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓને પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આક્ષેપો સાથે વાલીઓ અને આદિવાસી આગેવાનો દ્વારા શાળાનો ઘેરાવ કરી હોબાળો મચાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનોએ શાળાના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ જ બેસી શાળા સંચાલકો વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ વહેલી તકે શાળામાં વિદ્યાર્થીનીઓને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માંગ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ જિલ્લા તંત્રને થતાં જવાબદાર અધિક કલેક્ટર સ્થળ પર પહોંચ્યા હતા અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની બાહેધારી આપતા મામલો થાળે પડ્યો હતો.
શાળા વિરુદ્ધ સૂત્રોચાર કર્યા
મળતી માહિતી મુજબ, જિલ્લાના વિરમપુરમાં કાર્યરત કન્યા શાળામાં ગત 26 જાન્યુઆરીએ વાલીઓએ શાળામાં વિદ્યાર્થીનીઓને પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જો કે તે બાદ ત્રણ દિવસની રજા આવતા વાલીઓ આજે ફરી શાળાએ એકઠા થયા હતા અને આદિવાસી આગેવાનોની હાજરીમાં શાળાનો ઘેરાવ કરી શાળા વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા. જો કે વાલીઓના હોબાળાની જાણ અધિક કલેકટરને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. વાલીઓએ સાત દિવસની મુદત આપી
અધિક કલેકટર સમક્ષ વાલીઓએ રજુઆત કરી હતી કે, વિદ્યાર્થીનીઓને શાળામાં માર મારવામાં આવે છે, જમવાનું સમયસર મળતું નથી અને પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે. વાલીઓની રજુઆત સાંભળ્યા બાદ સમસ્યા હલ કરવાની અધિક કલેકટરે ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. સમગ્ર મામલે વાલીઓએ આગામી સાત દિવસની મુદત આપી છે, જો સાત દિવસમાં શાળાના આચાર્ય અને શિક્ષકની બદલી નહીં થાય તો ફરી એકવાર વાલીઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી શાળાને તાળાબંધી કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચો : Banaskantha : છ વર્ષ બાદ ખેડૂતોની જીત, 60 દિવસમાં 11 કરોડ વળતર ચૂકવવા કોર્ટનો આદેશ
શાળાને બદનામ કરવાનું કાવતરું – આચાર્ય
તો બીજી તરફ સમગ્ર મામલે શાળાના આચાર્યનું કહેવું છે કે, શાળામાં વિદ્યાર્થીનીઓને તમામ પ્રકારની સુવિધા મળે છે અને અભ્યાસ પણ વ્યવસ્થિત થાય છે. કોઈપણ વિદ્યાર્થીનીને માર મારવામાં આવતો નથી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ માત્ર રાજકીય બાબત ઊભી કરવામાં આવી છે અને વાલીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને શાળાના આચાર્યએ શાળાને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું હતું.