ફાર્મસી કાઉન્સિલ દ્વારા 18 કોલેજને મંજૂરી, 10 તારીખ સુધી ચોઇસ ફિલિંગ
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ફાર્મસી કોલેજોની મંજૂરી મળતા એડમિશન કમિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા કોલેજોને મંજૂરી ન મળતાં એડમિશન પ્રક્રિયા ટલ્લે ચઢી હતી. ફાર્મસી કાઉન્સિલ દ્વારા ગતરોજ સાંજે રાજ્યની 18 કોલેજોને મંજૂરી આપતા હવે એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે અન્ય 3 કોલેજોમાં ખામી હોવાને કારણે મંજૂરી મળશે નહીં.
ધો 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ પહેલાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરી હતી. રાજ્યની 137 ડિપ્લોમા અને ડિગ્રી ફાર્મસી કોલેજોએ દર વર્ષે ફાર્મસી કાઉન્સિલની મંજૂરી મેળવવી ફરજિયાત છે. ત્યારે કાઉન્સિલ દ્વારા કોલેજોને મંજૂરી આપવામાં આવતી ન હતી. જેને પગલે સમગ્ર એડમિશન પ્રક્રિયા ખોરવાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. પરંતુ ગતરોજ બાકી રહેતી 21 ફાર્મસી કોલેજો પૈકી 18 ફાર્મસી કોલેજ મંજૂરી આપી દેવામાં આવતા હવે ફાર્મસીની 11400 સીટ પર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ VNSGUમાં ગણેશ સ્થાપનાને લઈને વિવાદ, વિદ્યાર્થીઓનાં બે જૂથ આમનેસામને
ન્યુઝ કેપિટલ સાથેની વાતચીતમાં ACPCના મેમ્બર સેક્રેટરી ડો. નિલય ભુપ્તાણી જણાવ્યું હતું કે, હાલ તમામ કોલેજની મંજૂરી આવી ગઈ છે. જેને પગલે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્રણ કોલેજોને ટેક્નિકલ કારણસર અને ખામી હોવાના કારણે મંજૂરી મળવાની નથી. જેથી વિદ્યાર્થીઓને સમયસર પ્રવેશ મળી રહે તે માટે 11400 સીટ પર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
વિદ્યાર્થીઓ આગામી 10 તારીખ સુધી ચોઈસ ફિલિંગ કરી કોલેજ ભરી શકશે. જ્યારે 12મી તારીખે વિદ્યાર્થીઓને સીટની ફાળવણી કરવામાં આવશે. કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવાનો છે તેવા વિદ્યાર્થીઓએ 16 તારીખ સુધીમાં કોલેજમાં ફી ભરવાની રહેશે. આગામી 17મી સપ્ટેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે અને જે પણ સીટ ખાલી રહેશે તે માટે 18મી તારીખે વેકન્ટ સીટ બહાર પાડે છે અને આગામી 23થી 25 તારીખ સુધીમાં બીજો રાઉન્ડ યોજાશે.