November 15, 2024

સંતરામપુરના આ શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળશે, રાજ્યપાલના હસ્તે એનાયત થશે

મૃગરાજસિંહ પુંવાર, મહિસાગરઃ ગુજરાતમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યપાલના હસ્તે ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ આપવામાં આવે છે.

‘શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હે’ આ ઉક્તિને ખરા અર્થમાં સાકાર કરતા મહિસાગર જિલ્લાની સંતરામપુર તાલુકાની ડોળી પગાર કેન્દ્રની આંબા પ્રાથમિક શાળાના ચંદ્રિકાબેન ખાંટ. તેઓ છેલ્લા 38 વર્ષથી એમના કર્મને જ ધર્મ માની શાળાને અનેકવિધ પ્રવૃતિઓ દ્વારા રોનકમય બનાવી રહ્યા છે.

આ ઉપરાંત તેઓ ગામને પણ હંમેશા જાગૃતમય રાખવાનું કામ, કન્યાઓને શિક્ષણ પ્રત્યે સજાગતા, માર્ગદર્શન, આર્થિક સહાય કરી શાળા અને ગામ માટે ગૌરવવંતુ કામ કરી રહ્યા છે. ત્યારે 38 વર્ષથી ચંદ્રિકાબેન ફરજ પરની કામગીરી દરમિયાન કરેલા કાર્યોના લીધે 5 સપ્ટેમ્બર 2024ના રોજ ગુજરાતના રાજ્યપાલના વરદ હસ્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવ્યો છે. જે સમગ્ર સંતરામપુર તાલુકા અને મહિસાગર જિલ્લા માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે.