December 18, 2024

ગણતંત્ર દિવસ પર દિલ્હી-NCR ધુમ્મસમાં લપેટાયું, વિઝિબિલિટી 10 મીટરથી ઓછી

DELHI - NEWSCAPITAL

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી-NCRમાં છેલ્લા ઘણા દિવસોથી અત્યંત ઠંડી પડી રહી છે. ગાઢ ધુમ્મસના કારણે રસ્તા પર વિઝિબિલિટી 10 મીટરથી ઓછી હતી. ગાઢ ધુમ્મસે સમગ્ર ઉત્તર ભારતને ઘેરી લીધું છે. પ્રજાસત્તાક દિવસના અવસરે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગનો અંદાજ છે કે ધુમ્મસને કારણે આજે સવારે 8:30 વાગ્યા સુધી વિઝિબિલિટી 400 મીટર સુધી મર્યાદિત રહેશે. આ પછી, સવારે 10:30 વાગ્યા સુધીમાં વિઝિબિલિટી 1,500 મીટર સુધી સુધરી શકે છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 6.9 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે. દિલ્હી-NCRમાં આજે વરસાદની કોઈ આગાહી નથી. સવારે 10 વાગ્યા પછી આછો તડકો પડવાની શક્યતા છે. આ પછી ધીમે ધીમે હવામાન સાફ થશે અને ધુમ્મસ ઓછું થશે. દિલ્હી-એનસીઆર સહિત યુપી, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને છત્તીસગઢના ઘણા જિલ્લાઓમાં તીવ્ર ઠંડીની સાથે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે.

પંજાબ-હરિયાણા કરતાં દિલ્હીમાં ઠંડી વધુ 

દિલ્હીની સાથે હરિયાણા અને પંજાબમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. દિલ્હી-એનસીઆર કરતા હરિયાણા અને પંજાબમાં વધુ ઠંડી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, હરિયાણાનો સિરસા જિલ્લો ગુરુવારે સૌથી ઠંડો રહ્યો હતો. સિરસામાં લઘુત્તમ તાપમાન 3.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હિસાર અને ફતેહાબાદમાં લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રી, અંબાલામાં 4.6 ડિગ્રી અને ભિવાનીમાં 5.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બંને રાજ્યોની સામાન્ય રાજધાની ચંદીગઢમાં લઘુત્તમ તાપમાન 4.6 ડિગ્રી નોંધાયું હતું.

માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં

હરિયાણા અને પંજાબની સાથે રાજસ્થાન પણ કડકડતી ઠંડીની લપેટમાં છે. રાજસ્થાનમાં આવા અનેક જિલ્લાઓ છે જ્યાં સૌથી વધુ ઠંડી પડે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનના ચુરુ, હનુમાનગઢ અને શ્રીગંગાનગરમાં તાપમાનમાં ઘટાડો થયો છે. માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ સુધી પહોંચી રહ્યું છે. રાજધાની જયપુરમાં છેલ્લા ઘણા દિવસોથી સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું છે.

આ પણ વાંચો : રશિયન એમ્બેસીએ ખાસ રીતે ગણતંત્ર દિવસ પર ભારતને અભિનંદન આપ્યા

બિહારના આ જિલ્લાઓમાં ઠંડીનું રેડ એલર્ટ

બિહારમાં તીવ્ર ઠંડીના કારણે 5 લોકોના મોત થયા છે. બિહારના ઘણા જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેના કારણે 29 જાન્યુઆરી સુધી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ઠંડીને જોતા પ્રાદેશિક હવામાન વિભાગે ગયા, નાલંદા, સીતામઢી, સારણ, શેખપુરા, નવાદા અને વૈશાલી સહિત રાજધાની પટનામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.