October 7, 2024

રશિયન એમ્બેસીએ ખાસ રીતે ગણતંત્ર દિવસ પર ભારતને અભિનંદન આપ્યા

RUS - NEWSCAPITAL

આજે દેશભરમાં 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને મુખ્ય અતિથિ તરીકે ભવ્ય સમારોહમાં હાજરી આપી હતી. આ અવસર પર દેશ અને દુનિયાભરમાંથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.

રશિયન એમ્બેસીએ વીડિયો શેર કર્યો

75માં પ્રજાસત્તાક દિવસના અવસર પર રશિયન દૂતાવાસે ભારતને અલગ રીતે અભિનંદન પાઠવ્યા છે. રશિયન એમ્બેસી દ્વારા એક ખૂબ જ સુંદર વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ભારતને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. એમ્બેસીના એક મિનિટ 29 સેકન્ડના વીડિયોમાં એમ્બેસીના કર્મચારીઓ બોલિવૂડ ફિલ્મ ‘ગદર’નું ગીત ‘મેં નિકલા ગડી લેકે…’ પર ડાન્સ કરતા અને સ્ટંટ કરતા જોવા મળે છે. વીડિયોના અંતમાં, રશિયન રાજદૂત ડેનિસ અલીપોવ તમામ સ્ટાફ સાથે ‘હેપ્પી રિપબ્લિક ડે’ કાર્ડ સાથે જોવા મળે છે.

રશિયાએ કહ્યું ‘ભારત ઝિંદાબાદ’

ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે પણ 75માં ગણતંત્ર દિવસ પર શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, આપણા ભારતીય મિત્રોને સમૃદ્ધ અને તેજસ્વી અમૃત કાલ માટે શુભકામનાઓ. ભારત અમર રહે અને રશિયન-ભારતીય મિત્રતા દીર્ઘજીવંત રહે.

બહાદુરીની ઝલક જોવા મળશે

આજે દેશનો 75મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નેતૃત્વમાં નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કર્તવ્ય પથ પરની પરેડમાં ભારતની વધતી જતી સૈન્ય શક્તિ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું ભવ્ય પ્રદર્શન જોવા મળશે. આ વખતે કર્તવ્ય પથ પર વિવિધતાની ઝલક સાથે દેશની બહાદુરીની ઝલક પણ જોવા મળશે.

આ પણ વાંચો : પદ્મ પુરસ્કાર મેળવનાર આ ‘હીરો’ વિશે તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યું હોય !

અમેરિકાએ અભિનંદન પાઠવ્યા

વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ ભારતને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, અમે આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની આશા રાખીએ છીએ. રાષ્ટ્રપતિ જો બિડેને ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વિશ્વમાં સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યા છે.