January 24, 2025

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોનું વિરોધ પ્રદર્શન, લોકોને હાલાકી

અમિત રુપાપરા, સુરતઃ કોલકાતામાં મહિલા રેસિડેન્ટ તબીબ સાથે બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ રેસિડેન્ટ તબીબો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલના તમામ રેસિડેન્ટ દ્વારા હડતાલ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ડોક્ટરોની હડતાલના પગલે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી રહેલા ગરીબ લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા હડતાલ કરીને સરકાર સામે રજૂઆત કરી હતી કે, દેશમાં જ્યારે કોઈપણ મહિલા પર અત્યાચાર થાય છે ત્યારે લોકો સૌ પ્રથમ તેના કપડાં જજ કરતા હોય છે કે, યુવતીઓ ટૂંકા કપડાં પહેરીને રસ્તા પર નીકળે છે, ત્યારે તેમની સાથે ન બનવાની ઘટનાઓ બને છે. પરંતુ જે ડોક્ટર પર ઘટના બની તે ડોક્ટર તો હોસ્ટેલમાં સૂતા હતા અને ત્યારે તેમની સાથે રેપ વિથ મર્ડરની ઘટના થઈ છે. આવી ઘટનાને લઈને કડક કાર્યવાહી થવી જોઈએ અને ડોક્ટરોની સુરક્ષા માટે એક કાયદો બનવો જોઈએ.

આ ઉપરાંત વિરોધ કરનારા ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘જ્યારે કોઈ ડોક્ટર દર્દીની સારવાર કરતા હોય છે અને સારવાર દરમિયાન દર્દીને કંઈ પણ થાય છે તો તેની જવાબદારી દર્દીના પરિવારના સભ્યો ડોક્ટર પર નાંખી દેતા હોય છે. કેટલીક ઘટનાઓમાં તો હોસ્પિટલમાં તોડફોડથી લઈને ડોક્ટરને માર મારવા સુધી મામલો આગળ વધી જતો હોય છે. ત્યારે આવી ઘટનામાં ડોક્ટરની સુરક્ષા પણ સુનિશ્ચિત થવી જોઈએ અને આ સુરક્ષા માટે ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.’

મહત્વની વાત છે કે, ગરીબ દર્દીઓ માટે ડોક્ટર ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાલના કારણે હોસ્પિટલની ઓપીડી બંધ રહી હતી. ઓપીડી બંધ રહેતા તાવ, શરદી, ઉધરસ સહિતના રોગોની સારવાર માટે આવતા દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. વહેલી સવારથી જ દર્દીઓ લાઈનો લગાવીને સારવાર માટે ઊભા રહ્યા હતા. જો કે, ઓપીડી બંધ રહેતા દર્દીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. નાના બાળકોથી લઈને વયોસ્કો જે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. તેને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વની વાત છે કે, નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બંધ રાખવામાં આવી હતી પરંતુ ઇમરજન્સી સારવાર શરૂ રાખવામાં આવી હતી.