માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ, ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા
મિહિર સોની, અમદાવાદઃ 2323 કરોડના માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભારતના બુકીઓને માસ્ટર આઈડી પૂરું પાડનારા આરોપીની અમૃતસર એરપોર્ટ પર ઉતરતાંની સાથે જ ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આ ગુનામાં 111 આરોપીઓની ઓળખ થઈ છે. તેમાંથી 35 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની કસ્ટડીમાં રહેલા આ આરોપીનું નામ પાર્થ કમલેશભાઈ દોશી છે. પાર્થ દોશી વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી અને તે દુબઈથી પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઉતરતા ઈમિગ્રેશનની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. પાર્થ દોશીએ ભારતના બુકીઓને સટ્ટો રમવા માટે માસ્ટર આઈડી આપ્યા હતા. માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં અગાઉ પકડાયેલા આરોપી ધવલ સોમાભાઈ પટેલ અને જિગ્નેશ નરેશભાઈ પટેલ પાસેથી ત્રણ માસ્ટર આઈડી મળી આવ્યા હતા. તે આઇડી પણ પાર્થ દોશીએ આપ્યાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જો કે, પાર્થ દોશી 2018થી દુબઈમાં હોવાનું જાણવા મળ્યું હતું. તેથી પોલીસે તેની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી.
પાર્થ દોશીની ધરપકડ કરી તપાસ માટે પાર્થને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે તપાસમાં સામે આવ્યું હતું કે, પાર્થે ન માત્ર ભારત પરંતુ અન્ય દેશના બુકીઓને પણ માસ્ટર આઇડી આપી ચૂક્યાં છે. તે માસ્ટર આઇડીની ઉપર એડમિનમાં આઈડી રહેતું હતું, તે પાર્થની પાસે હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ એક માસ્ટર આઈડી આપવા માટે પાર્થ આ બુકીઓ પાસેથી 15 ટકા કમિશન લેતો હતો. માત્ર માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની તપાસમાં 2323 કરોડનો સટ્ટો રમાયો હોવાના પુરાવા મળ્યા છે. ત્યારે પાર્થ કેટલા રૂપિયા દુબઈ લઈ ગયો અને કેવી રીતે મેળવ્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ કેસમાં અન્ય કેટલા બુકીઓ સંડોવાયેલા છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, પાર્થ 2022માં અમદાવાદમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યો હતો. જો કે, તે સમયે તેને લુકઆઉટ નોટિસ અંગે ખ્યાલ આવતા આ વખતે પોલીસથી બચવા પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઉતર્યો હતો. તો બીજી તરફ માધુપુરા સટ્ટાકાંડમાં પીઆઈ તરલ ભટ્ટ સહિત ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.