ઇમરજન્સીની યાદમાં 25 જૂને ઉજવાશે ‘સંવિધાન હત્યા દિવસ’, અમિત શાહે કરી જાહેરાત
Samvidhaan Hatya Diwas: કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લઈને 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે જાહેર કર્યો છે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. 25 જૂન 1975ના રોજ દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી અને તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બીજા દિવસે 26 જૂને રેડિયો પર દેશની જનતાને આ વાતની જાણકારી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર (X) પર પોસ્ટ પર જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન શેર કરતાં નિર્ણયને લઈને માહિતી આપી હતી.
ગૃહમંત્રી અમિત શહેર કરી જાહેરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર (X) પર પોસ્ટ કરતાં લખ્યું કે 25 જૂન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની સરમુખત્યાર માનસિકતાનું પ્રદર્શન કરતાં દેશમાં ઇમરજન્સી લાગુ કરીને ભારતીય લોકતંત્રની આત્માના શ્વાસ રૂંધી નાખ્યા હતા. લાખો લોકોને અકારણ જ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને મીડિયાની આવાજને દબાવી દેવામાં આવી હતી. હવે ભારત સરકારે દરવર્ષે 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. આ દિવસ તે તમામ લોકોના વિરાટ યોગદાનની યાદ અપાવશે, જેમણે 1975ની કટોકટીના અમાનવીય પીડા સહન કરી હતી.
ભારતીય ઇતિહાસનો સૌથી વિવાદાસ્પદ નિર્ણય
પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો સમગ્ર દેશમાં ‘કટોકટી’ લાગુ કરવાનો નિર્ણય ભારતના ઈતિહાસમાં સૌથી વિવાદાસ્પદ નિર્ણય માનવામાં આવે છે. દેશમાં કટોકટી લાગુ કરવા માટેના અનેક કારણોમાં એક કારણ રાજકીય અસ્થિરતા પણ કહેવામાં આવે છે. કટોકરી દરમિયાન અનેક બાબતો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પ્રેસ સેન્સરશીપ લાગુ કરવાની સાથે સાથે નાગરિકોની સ્વતંત્રતા પણ મર્યાદિત કરી દેવામાં આવી હતી.