November 18, 2024

ઇતની જલ્દી ક્યું સ્કૂલ ચલે હમ ?

Prime 9 With Jigar: બાળકને કઈ ઉંમરે સ્કૂલમાં ભણવા મૂકવું જોઈએ? સ્કૂલોમાં એડમિશનની મોસમ બરાબર જામી ગઈ છે. બે-ત્રણ વર્ષની ઉંમરનાં સંતાનોનાં વાલીઓ એડમિશન માટે દોડાદોડ કરી રહ્યાં છે. યોગાનુયોગ દેશનાં અનેક રાજ્યોમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી-2020નો સંપૂર્ણ અમલ આ વર્ષથી કરાશે એવી જાહેરાત કરાઈ છે. નેશનલ એજ્યુકેશન પોલિસીમાં સ્કૂલ લેવલે અત્યારની 10+2 ફોર્મ્યુલાના બદલે 5+3+3+4ની નવી ફોર્મ્યુલા દાખલ કરવાની છે.

શું છે નવી એજ્યુકેશન પોલિસી?

  • અઢી વર્ષની ઉંમરે નર્સરીમાં એડમિશન.
  • ગુજરાતમાં NEPનો સંપૂર્ણ અમલ 2030 સુધીમાં.
  • અમલની શરૂઆત 2023થી કરી દેવાઈ.
  • આ વર્ષથી અમલનો બીજો તબક્કો શરૂ થશે.
  • અઢી વર્ષની ઉંમરનાં બાળકોને નર્સરીમાં પ્રવેશ અપાશે.

અત્યારે નેશનલ એજ્યુકેશન પોલિસીની પણ ચર્ચા ચાલી રહી છે. તેથી બાળકોને સ્કૂલો મોકલવાની યોગ્ય ઉંમર કઈ એ મુદ્દે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે બે અભિપ્રાય છે.

સૌથી મુશ્કેલ પરીક્ષા

પહેલો અભિપ્રાય

  • બાળકોનું બાળપણ ના છીનવી લેવું જોઈએ.
  • બાળકોનો કુદરતી વિકાસ થવા દેવો જોઈએ.
  • નાની વયે તેમના પર ભણતરનો બોજ ના નાંખવો જોઈએ.
  • બાળકને પાંચ વર્ષની વયે ભણવા મૂકવું જોઈએ.
  • ભણતર પહેલાં બાળપણને માણવા દેવું જોઈએ.
  • બાળકોને નર્સરીમાં મૂકતાં મા-બાપની ટીકા.
  • નાની વયે બાળકોને સ્કૂલમાં મોકલવા અત્યાચાર.

સૌથી મુશ્કેલ પરીક્ષા

  • બીજો અભિપ્રાય
    નાની ઉંમરે બાળકને સ્કૂલમાં ભણવા મૂકવું જોઈએ.
    બાળકનો પાયો મજબૂત થાય.
    વિશ્વમાં સ્પર્ધા વધતી જાય.
    ભારતીય બાળકોને સક્ષમ બનાવવા નાની ઉંમરથી સ્કૂલમાં મૂકવાં જરૂરી.
    બાળકને નાની ઉંમરથી સ્કૂલમાં મુકાય તો શિક્ષણમાં રસ પડે.
    આખરે ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટી જશે.

વાસ્તવમાં કહેવાતા શિક્ષણશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકો બાળકોને નાની વયે ભણવા મોકલતાં મા-બાપ પર સલાહનો એવો મારો ચલાવે છે કે, બહું મોટો અપરાધ કર્યો હોય એવી લાગણી મા-બાપને થવા લાગે. મા-બાપને ગિલ્ટ ફીલ થાય. PM મોદીની સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપી, જેમાં આ બાબતોને અવગણીને નવું ફોર્મેટ અમલમાં મૂકાશે.

કેવા ફેરફાર આવશે?

  • 10 + 2 ફોર્મેટ ભૂતકાળ બની જશે.
  • 1968માં ઈન્દિરા ગાંધીના શાસનમાં 10 + 2ની શિક્ષણ પદ્ધતિ.
  • અત્યારે ધોરણ 10 સુધી પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ.
  • ધોરણ 11 અને ધોરણ 12માં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અપાય.
  • નવી શિક્ષણ નીતિમાં આ ફોર્મેટમાં બદલાવ.
  • શાળાના અભ્યાસક્રમમાં સુધારા સાથે 5+3+3+4નું નવું ફોર્મેટ.
  • શાળાકીય શિક્ષણ 15 વર્ષનું થઈ જશે.
  • અત્યારે બાળકને 5 વર્ષની વય પછી સ્કૂલમાં મોકલવાનો નિયમ.
  • 3 વર્ષની વયથી બાળકને ભણવા મોકલવાની પદ્ધતિ અમલમાં.

મોટા ભાગનાં લોકો 5+3+3+4ના નવા ફોર્મેટને પહેલાંના મેટ્રિક અને પછી પ્રિ-સાયન્સ કે પ્રિ-આર્ટ્સને સમકક્ષ માને છે, પણ એમ નથી. આ નવું 5+3+3+4નું ફોર્મેટ માત્રને માત્ર સ્કૂલ માટે છે.

કેવું છે નવું માખળું? 

  • બાળક 3 વર્ષની વયે સ્કૂલમાં દાખલ થાય.
  • પહેલાં 5 વર્ષ ફાઉન્ડેશન સ્ટેજમાં ભણશે.
  • અત્યારે પ્રિ-પ્રાઇમરીનાં ત્રણ વર્ષ પછી ધોરણ 2 સુધી ભણવાનું.
  • લેટર પ્રાઇમરીમાં ધોરણ 3થી ધોરણ 5.
  • અપર પ્રાઇમરીમાં ધોરણ 6થી ધોરણ 8.
  • છેલ્લાં ચાર વર્ષમાં સેકન્ડરી સ્ટેજ.
  • ગુજરાતમાં માધ્યમિક શિક્ષણમાં સરકારી સ્કૂલો ઓછી.
  • સરકારી ગ્રાન્ટ મેળવતી સ્કૂલો મોટી સંખ્યામાં.
  • તમામ સ્કૂલો ગુજરાત બોર્ડ સાથે જોડાયેલી.
  • ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણ ગ્રાન્ટેડ સ્કૂલો દ્વારા જ અપાય.

ગુજરાતમાં આજેય મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાત સરકારના સ્થાનિક બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલોમાં જ શિક્ષણ લે છે. ગુજરાતમાં મોટા ભાગની ગ્રાન્ટેડ સ્કૂલો ધોરણ પાંચથી શિક્ષણ આપે છે. તેથી પ્રાથમિક શિક્ષણ મહદ્ અંશે સરકારી સ્કૂલોમાં અપાય છે. નવી નીતિના કારણે સરકારી સ્કૂલોમાં પણ નર્સરી, જુનિયર KG અને સીનિયર KG આવી જશે. આમ તો ખાનગી સ્કૂલોમાં પોતાનાં સંતાનોને ભણાવતાં લોકો અત્યારે આ મોડલને અનુસરે જ છે.

અત્યારની પદ્ધતિ શું છે? 

  • અત્યારે પણ ખાનગી સ્કૂલોમાં નર્સરીમાં એડમિશન અપાય.
  • જેના પછી જુનિયર KG અને પછી સીનિયર KGમાં બાળક ભણે.
  • નર્સરી, જુનિયર KG કે સીનિયર KGમાં પરીક્ષા નથી હોતી.
  • ત્રણ વર્ષ પૂરાં કર્યા પછી બાળકને પહેલાં ધોરણમાં પ્રવેશ મળે.
  • સરકારી સ્કૂલોમાં નર્સરી, જુનિયર KG અને સીનિયર KG નથી.

હવે, નવી પદ્ધતિની વિગતો અમે તમને આપીશું.

નવી પદ્ધતિ

  • નર્સરી, જુનિયર KG અને સીનિયર KG ફરજિયાત.
  • સરકારી સ્કૂલોમાં નર્સરી, જુનિયર KG અને સીનિયર KG.
  • તમામ બાળકો માટે નર્સરી, જુનિયર KG અને સીનિયર KG ફરજિયાત.
  • મા-બાપે બાળકને ત્રણ વર્ષની વયે સ્કૂલમાં મોકલવું જ પડશે.

નવી પદ્ધતિ, નવા સવાલ 

  • આ ઉંમરે બાળકને સ્કૂલમાં મોકલવું યોગ્ય છે ?
  • 3 વર્ષનાં બાળકને સ્કૂલમાં મોકલવાથી તેનું બાળપણ છીનવાઈ નહીં જાય ?
  • બાળક બોજા હેઠળ નહીં દબાઈ જાય ?
  • બાળકનો કુદરતી વિકાસ નહીં રૂંધાય ?

સરકારે તો નિર્ણય લઈ લીધો છે. મોટા ભાગના શિક્ષણશાસ્ત્રીઓ માને છે કે, બાળકને 3 વર્ષની ઉંમરે સ્કૂલમાં મોકલવામાં કશું ખોટું નથી. તેથી એના વિશે ચર્ચા કરવાનો મતલબ નથી. આ ચર્ચા બાળકને સ્કૂલમાં મોકલવાની ઉંમર વિશે નહીં પણ સ્કૂલોમાં શું ભણાવાય છે કે શીખવવામાં આવે છે એના વિશે થવી જોઈએ. બાળક નર્સરી, જુનિયર KG અને સીનિયર KGમાં જાય, બીજાં બાળકો સાથે ભળે તેના કારણે તેનો માનસિક વિકાસ થશે જ. આ સંજોગોમાં ચિતા બાળકનું બાળપણ ના રોળાઈ જાય એવો અભ્યાસક્રમ કઈ રીતે બનાવવો તેની કરવાની જરૂર છે. શિક્ષણશાસ્ત્રીઓ આ માટે પ્રોફેસર યશપાલ મોડલને અનુસરવાની ભલામણ કરે છે.

 

કોણ હતા પ્રોફેસર યશપાલ?

  • પ્રોફેસર યશપાલ વિજ્ઞાની હતા.
  • કોસ્મિક રેના સંશોધનથી કારકિર્દી શરૂ કરી.
  • શિક્ષણના ક્ષેત્રમાં ઝંપલાવ્યું.
  • શૈક્ષણિક ક્ષેત્રે જોરદાર ક્રાંતિ કરી.
  • આજે ભાર વિનાના ભણતરની અને સ્માર્ટ ક્લાસરૂમની વાતો.
  • યશપાલે અઢી દાયકા પહેલાં વહેતો મૂક્યો હતો આ વિચાર.
  • યશપાલે 1970ના દાયકામાં જ ક્રાંતિકારી વિચાર આપ્યો.
  • સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ પર ભાર.
  • સ્કૂલોમાં પુસ્તકો બંધ કરવાનો વિચાર આપ્યો.
  • આ વિચાર સૌને હાસ્યાસ્પદ લાગ્યો.
  • દૂરદર્શન ક્વોલિટી કાર્યક્રમ બતાવતું.
  • દૂરદર્શન પર યશપાલ ટર્નિંગ પોઈન્ટ કાર્યક્રમ આપતા.
  • દૂરદર્શનનો ઉપયોગ કરીને બાળકોને ઘરેબેઠાં ભણાવવાનો ક્રાંતિકારી વિચાર.
  • અત્યારે સ્માર્ટ ક્લાસનો કન્સેપ્ટ, જેના મૂળમાં પ્રોફેસર યશપાલ.
  • યશપાલે પુસ્તક વિના શિક્ષણ આપવાના કાર્યને ઝુંબેશ બનાવી દીધી.
  • બાળકોને પુસ્તકિયુ જ્ઞાન આપવાના બદલે શૈક્ષણિક મોડલો બનાવીને સમજાવાય.
  • બાળકોને શૈક્ષણિક મોડલ બનાવવા પ્રોત્સાહિત કરાય એ વિચાર યશપાલનો.
  • શિક્ષણશાસ્ત્રીઓના મતે આ મોડલના આધારે બાળકોને ભણાવવાં જોઈએ

ભૂતપૂર્વ PM નરસિંહ રાવે પ્રોફેસર યશપાલને નેશનલ એડવાઇઝરી કમિટીના ચેરમેન બનાવીને બાળકો પરથી ભણતરનો ભાર કઈ રીતે ઘટાડવો તેનો રિપોર્ટ તૈયાર કરવા કહ્યું હતું. યશપાલનો રિપોર્ટ ભારતીય શિક્ષણમાં ઐતિહાસિક દસ્તાવેજ મનાય છે. જેનો થોડો ઘણો અમલ કરાય છે. આ રિપોર્ટમાં તેમણે જે પગલાં સૂચવ્યા, એનો સંપૂર્ણ અમલ કરાય તો દેશનું શિક્ષણ બિલકુલ બદલાઈ જાય. યશપાલે પોતાના વિચારોને મૂર્તિમંત કરીને વિજ્ઞાનના શિક્ષણને રસપ્રદ બનાવ્યો હતો. યશપાલે ઉચ્ચ શિક્ષણ અંગે પણ ક્રાંતિકારી ભલામણો કરી. જોકે, એ રિપોર્ટનો અમલ જ ના થયો.

યશપાલના રિપોર્ટની ક્રાંતિકારી ભલામણો

  • બાળકોમાં ઉત્સુકતા પેદા થાય એના પર ભાર.
  • મોડલ, વાર્તા, કાર્ટૂન અને એનિમેશન દ્વારા ભણાવવાની ભલામણ.
  • બાળકો સીનિયર KG સુધી રમતાં રમતાં ભણે એવો વિચાર.
  • ફળ, ફૂલ, વૃક્ષો સહિતની ચીજો તેમના મૂળ સ્વરૂપમાં બાળકોને અપાય.
  • એના વિશે વાસ્તવિક રીતે બાળકો જાણે એવો વિચાર.

આ વિચારોના આધારે અભ્યાસક્રમ બનાવાય તો બાળકોને ત્રણ વર્ષની વયે સ્કૂલમાં જવામાં પણ આનંદ આવશે, તેમનું બાળપણ નહીં છીનવાય. આપણે ત્યાં ભણતર ભારરૂપ લાગે છે એનું કારણ વધારે પડતું પુસ્તકિયું જ્ઞાન છે. અત્યારે સ્કૂલમાં ભણતાં બાળકો ટોપર્સ બનવાની લ્હાયમાં પોપટની જેમ પટ્ટી પઢીને વધારેમાં વધારે માર્ક્સ લાવવા મથ્યા કરે છે. એના બદલે છોકરાંને કોઈ પણ વિષયમાં સમજણ પડે અને છોકરાં એ વિષયને પચાવીને આગળ વધે એ પ્રકારના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. અત્યારે બીબાઢાળ રીતે છોકરાં આખું વર્ષ થોથાં ભણ્યા કરે અને વર્ષના અંતે પરીક્ષા લેવાય એવી પદ્ધતિથી શિક્ષણ અપાય છે. તેના બદલે આખા વર્ષ દરમિયાન છોકરાં શું શીખ્યાં એનું મૂલ્યાંકન થાય એ પ્રકારની શિક્ષણ પદ્ધતિ લાવવાની જરૂરિયાત છે. અત્યારે પુસ્તકિયા જ્ઞાનના કારણે બાળકોને નાની ઉંમરથી જ સાચું શિક્ષણ મેળવવાના બદલે વધારે માર્ક્સ મળે એવા શિક્ષણમાં રસ પડે છે. બાળક કેટલા માર્ક્સ લાવે છે એના આધારે એ હોંશિયાર છે કે નહીં એ નક્કી થાય છે. માર્ક્સના આધારે મૂલ્યાંકન મૂર્ખામી છે. કેમ કે વાસ્તવિક જીવનમાં માર્ક્સ બહું કામના નથી, કામ અને વિષયનું જ્ઞાન વધારે કામનું છે. મોદી સરકારે નવી શિક્ષણ નીતિ જાહેર કરી ત્યારે PM મોદીએ કહ્યું હતું કે, આ નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓના મગજ પરથી માર્કશીટનું દબાણ દૂર કરશે. કેમ કે માર્કશીટ વિદ્યાર્થી માટે પ્રેશર શીટ અને પરિવાર માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. PM મોદીએ ક્લાસરૂમને દીવાલોની વચ્ચે કેદ નહીં કરવાની વાત કરીને માતૃભાષામાં શિક્ષણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે શિક્ષણ માટે ‘ફાઈવ સી’નો મંત્ર પણ આપ્યો.

5-Cનો મંત્ર

  1. ક્રિટિકલ થિંકિંગ.
  2. ક્રિએટિવિટી.
  3. કોલોબ્રેશન.
  4. ક્યુરિયોસિટી.
  5. કૉમ્યુનિકેશન.

પાંચ કૌશલ્ય કેળવવાં પડશે વિદ્યાર્થીઓએ આ ગુણોને આત્મસાત કરીને તેના આધારે આગળ વધવું પડશે
આપણી ખરી જરૂરિયાત શિક્ષણને વધારે વાસ્તવવાદી અને ટેકનોલોજી આધારિત બનાવવાની છે. શિક્ષણની પદ્ધતિમાં ફેરફાર કરીને બાળકોમાં સમજ કેળવવાની જરૂર છે. આપણે ત્યાં વર્ષોથી ભાર વિનાનું ભણતર સહિતનાં સૂત્રો રમ્યા જ કરે છે. બાળકો પર બોજ ના આવે અને બાળકો માર્ક્સ મેળવવાની હોડમાં ના લાગે એવું શિક્ષણ આપવાની વાતો બધાં કરે છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં તેમણે બોર્ડમાં ટોપર્સની પ્રથા નાબૂદ કરી હતી. જેથી બીજાં છોકરાંને લઘુતાગ્રંથિ ના થાય. બોર્ડની પરીક્ષામાં પર્સન્ટેજ જાહેર કરવાના બદલે પર્સેન્ટાઈલ આપવાની પદ્ધતિ પણ તેમણે શરૂ કરાવી. જેથી કોઈને ઓછા માર્ક્સ આવ્યા હોય તો તેની બહાર ખબર ના પડે. અને તેણે શરમજનક સ્થિતિમાં ના મુકાવું પડે. અલબત્ત આ બધામાં પણ પરીક્ષા તો કેન્દ્રસ્થાને છે જ. પરીક્ષામાં માર્ક્સ પણ અપાય જ છે.

માર્ક્સ VS મેરિટ

  • અત્યારે માર્ક્સ વિના મેરિટ શક્ય નથી.
  • મેરિટ વિના ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશની વ્યવસ્થા નથી.
  • પ્રેક્ટિકલ નોલેજને વધારે મહત્વ આપી શકાય.
  • બાળકો માટે યોગ્ય અભ્યાસક્રમ બનાવો.
  • જેથી નાની ઉંમરથી શિક્ષણમાં રસ લે.
  • આખરે કિશોરાવસ્થા સુધીમાં રોજગારી મળે એવા શિક્ષણમાં રસ વધે.
  • આવું મોડલ તો જવાહરલાલ નહેરૂના સમયથી તૈયાર.
  • નહેરૂએ નવા વિચારો માટે મોટી સંસ્થાઓ ઊભી કરી.
  • એનો અમલ કરી શકાય એવું પ્રાયોગિક જ્ઞાન આપવા નાની સંસ્થાઓ બનાવી.
  • ઉદાહરણ તરીકે ટેકનોક્રેટ અને એન્જિનિયર પેદા કરવા માટે IIT.
  • ટેકનોક્રેટના વિચારોને અમલમાં મૂકવા સ્કિલ્ડ પર્સન્સ ઊભા કરવા ITI.

ભારત કૃષિલક્ષી દેશ છે તો કૃષિના જ્ઞાન માટે કૃષિ યુનિવર્સિટીઓ અને એ પ્રમાણે નવી સુધરેલી ખેતી કરી શકે એ માટે ઉત્તર બુનિયાદી સ્કૂલો બનાવાઈ. એ જમાનામાં અભ્યાસક્રમોને અનુરૂપ આ રીતનું માળખું હતું. PM મોદી સત્તામાં આવ્યા પછી સ્કિલ ઈન્ડિયા અને મેઇક ઈન ઈન્ડિયા જેવાં મોટાં મોટાં અભિયાન શરૂ કરાવ્યાં. તેના કારણે લાગે છે કે, PM મોદી હવે ટેકનોલોજી આધારિત શિક્ષણ તરફ દેશને વાળશે. નવી શિક્ષણ નીતિમાં બાળકોને નાનપણથી એ પ્રકારનું શિક્ષણ અપાય એવો અભ્યાસક્રમ બને એ પણ જરૂરી છે. ભારતમાં નાનાં બાળકોની બુદ્ધિમત્તા વધારે છે એવું સૌ સ્વીકારે છે. દુનિયાભરની IT અને ટેકનોલોજીની કંપનીઓમાં ભારતીયો જ વધારે છે તેથી એ વાત સાબિત છે, પણ આપણી પાસે એવી શિક્ષણ પદ્ધતિ નથી કે જેના કારણે બાળકોની બુદ્ધિને ધાર મળે.

શું છે શિક્ષણની સ્થિતિ?

  • આપણી શિક્ષણ પદ્ધતિ બીબાઢાળ.
  • છોકરાંમાં કોઈ પણ વિષયની સમજ કેળવાતી નથી.
  • બાળકોને કંટાળાજનક લાગે છે શિક્ષણ.
  • માતા-પિતાને પણ બાળકને ભણાવવામાં રસ પડતો નથી.
  • શિક્ષણ ધંધો બની ગયો.
  • છોકરાંના ભણવા પાછળ ધૂમ ખર્ચ.
  • ખાનગી સ્કૂલો દ્વારા લોકોની મજબૂરીનો ગેરલાભ મેળવાય.

ઈન્દિરા ગાંધીએ નવી શિક્ષણ નીતિ બનાવી ત્યારે તેમની પાસે બાળકોનો પાયો મજબૂત થાય એવું કરવાની તક હતી પણ એ તક ઈન્દિરા ચૂકી ગયાં. આપણે ત્યાં અત્યારે 10+2+3 શિક્ષણ વ્યવસ્થા અમલમાં છે. આ વ્યવસ્થા દેશભરમાં 1977થી અમલમાં આવી પણ તેનાં મૂળ કોઠારી પંચે 23 જૂન 1966ના રોજ આપેલા અહેવાલમાં છે. આ કમિશનની રચના 14 જુલાઈ 1964ના રોજ થઈ હતી. તેના વડા તરીકે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના તત્કાલીન ચેરમેન દૌલતસિંહ કોઠારી હતા. ભારતમાં શિક્ષણની વ્યવસ્થાનું મૂલ્યાંકન તથા એમાં સુધારા કરવા આ પંચ રચાયું હતું. આ પંચમાં 17 સભ્યો હતા અને 20 જેટલા વિદેશી કન્સલ્ટન્ટ હતા. સંખ્યાબંધ પેટા સમિતિ પણ હતી. આ પંચે 9000 જેટલા જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોને મળીને તેનો અંતિમ અહેવાલ આપ્યો. તત્કાલીન શિક્ષણ મંત્રી એમ.સી. ચાગલાને અપાયેલા 287 પેજના રિપોર્ટમાં ચાર ભાગ હતા. આ રિપોર્ટમાં સંખ્યાબંધ ભલામણો હતી. જોકે, મુખ્ય ભલામણ 10+2+3 પેટર્ન અપનાવવાની હતી. આખા દેશમાં એક સરખી 10+2+3 અપનાવીને શિક્ષણનું દેશવ્યાપી એકસરખું માળખું ઊભું કરવાની ભલામણ હતી. મૂળ રિપોર્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ત્રણ વર્ષની ભલામણ હતી પણ પછી બે વર્ષનો કોર્સ રખાયો. આ નિર્ણય ક્રાન્તિકારી હતો અને એનો ઉદ્દેશ સમગ્ર દેશમાં એક સામાન્ય માળખુ ઊભું કરવાનો હતો પણ કમનસીબે એમાં પાયાના સ્તરે શું કરવું તે અંગે કશું નહોતું કહેવાયું. શિક્ષણને રાજ્યના બદલે કેન્દ્રનો વિષય બનાવવાની કોઠારી પંચની ભલામણ હતી પણ રાજ્યોનો ગરાસ લૂંટાય એટલે ઈન્દિરા એ ના કરી શક્યાં. નવી શિક્ષણ નીતિમાં બાળકોને પહેલાંથી જ વૈશ્વિક સ્તરને અનુરૂપ શિક્ષણ મળશે. જેથી બે દાયકા પછી ભારતીય ડિગ્રીનું મૂલ્ય પણ વધશે.