November 19, 2024

કેસર કેરીના ભાવ ગગડ્યાં, 600 રૂપિયે પ્રતિ બોક્સ પહોંચ્યા

સાગર ઠાકર, જૂનાગઢઃ હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને જૂનાગઢમાં કેસર કેરીની સિઝન પણ ચાલી રહી છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો નોંધાયો છે. ચાલુ સિઝનમાં આજના અખાત્રીજના દિવસે સિઝનની સૌથી વધુ આવક નોંધાય છે. અખાત્રીજનો પવિત્ર દિવસ હોવાથી કેરીની પણ માગ રહેતી હોય છે. યાર્ડમાં કેરીની આવકમાં વધારો થયો હતો અને 11 હજારથી વધુ બોક્સની આવક થઈ હતી.

અત્યાર સુધી સરેરાશ 7થી 8 હજાર બોક્સની પ્રતિદિન આવક થતી હતી અને ભાવ 1000થી 1500 રૂપિયા પ્રતિ બોક્સના રહેતા હતા. પરંતુ આવકમાં વધારો થતા ભાવમાં મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના ભાવ 600થી 1000 રૂપિયા પ્રતિ બોક્સના રહ્યા હતા. ચાલુ વર્ષે વાતાવરણની અનિયમિતતાને લઈને કેરીની સિઝન મોડેથી શરૂ થઈ છે. વળી, આંબાના બગીચામાં જોઈએ તેવો ફાલ નથી આવ્યો.

આ ઉપરાંત કમોસમી વરસાદની પણ આગાહી હોવાથી જો કદાચ વરસાદ પડે તો માલ બગડી જવાના ડરથી પણ બગીચાનાં ઈજારદારો કેરીનો ઉતારો કરીને યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યા છે. આમ યાર્ડમાં કેરીની આવકમાં વધારો થયો છે. તેની સામે ભાવમાં પણ ઘટાડો થયો છે અને હજુ આગામી દિવસોમાં કેરીની આવકમાં નોંધપાત્ર વધારો થતાં ભાવ નીચા જવાની સંભાવના છે.