November 24, 2024

કાશ્મીરની શાક્સગામ ઘાટીમાં ચીનની નાપાક હરકત, ભારત સરકારે એક મોટું ભર્યું પગલું

China Shaksgam Valley: પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoK)ની શક્સગામ ઘાટીમાં ચીનની નાપાક ગતિવિધિઓ સામે આવી છે. લેટેસ્ટ સેટેલાઈટ તસવીર પરથી જાણવા મળ્યું છે કે ચીન વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રની નજીક એક પાકો રોડ બનાવી રહ્યું છે. હકિકતે,ચીન સિયાચીન કોરિડોર પાસે ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીરમાં કોંક્રિટ રોડ બનાવી રહ્યું છે. હવે ભારતે આ મામલે એક મોટું પગલું ભર્યું છે.

ભારતે જમીન પર પરિસ્થિતિને બદલવાના ‘ગેરકાયદેસર’ પ્રયાસમાં શાક્સગામ ઘાટીમાં બાંધકામ પ્રવૃત્તિઓ હાથ ધરવા બદલ ચીન સામે સખત વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે જણાવ્યું હતું કે શક્સગામ ઘાટી ભારતનો ભાગ છે અને નવી દિલ્હીએ 1963ના કહેવાતા ચીન-પાકિસ્તાન સરહદ કરારને ક્યારેય સ્વીકાર્યો ન હતો, જેના દ્વારા ઇસ્લામાબાદે બેઇજિંગને ‘ગેરકાયદેસર’ પ્રદેશ સોંપવાનો પ્રયાસ કર્યો હતો.

જયસ્વાલે તેમની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘અમે સતત આ અંગે અમારી નારાજગી વ્યક્ત કરી છે.’ ‘જમીન પર તથ્યો બદલવાના ગેરકાયદેસર પ્રયાસો સામે અમે ચીન સામે અમારો વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું, ‘અમે અમારા હિતોના રક્ષણ માટે જરૂરી પગલાં લેવાનો અધિકાર અનામત રાખીએ છીએ.’

શાક્સગામ ઘાટી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તાર છે. આ ઘાટી પાકિસ્તાન અઘિકૃત કાશ્મીરનો એક ભાગ હતો, પરંતુ પાકિસ્તાને તેને 1963માં ચીનને સોંપી દીધું હતું. ચીન જે રોડ બનાવી રહ્યું છે તે તેના શિનજિયાંગ પ્રાંતમાં હાઈવે નંબર G219થી નીકળે છે અને પહાડોની અંદર સમાપ્ત થાય છે. ઈન્દિરા કોલ સિયાચીન ગ્લેશિયરમાં સ્થિત છે, જ્યાંથી રસ્તો સમાપ્ત થતો જણાય છે ત્યાંથી 50 કિલોમીટર દૂર છે. આ એ વિસ્તાર છે જ્યાં ભારતીય સેના પેટ્રોલિંગ કરે છે.