December 26, 2024

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સામ પિત્રોડાના વિવાદસ્પદ નિવેદનને વખોડ્યું

ગાંધીનગર: કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ અમેરિકાના હેરિટન્સ ટેક્સ પર આપેલા વિવાદસ્પદ નિવેદન મામલે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં પાટીલે પિત્રોડાના વિવાદસ્પદ નિવેદનને વખોડ્યું હતું. પરિષદને સંબોધતા પાટીલે જણાવ્યું કે, કોંગ્રેસના નીતિકાર, સલાહકાર એવા સામ પિત્રોડા વિચારો લાદવામા હાવી રહે છે, કારણ કે ગઇકાલે તેમણે વિરાસતમા મળેલ મિલક્ત પર ટેક્સ લગાવવા મામલે નિવેદન કર્યુ હતું. કોઇ પણ વ્યક્તિ જીદંગી ભર કમાણી કરે અને તે મૃત્યુ પામે ત્યારે તેમની સંપત્તિ તેમના વારસદારને મળે છે, પરંતુ જેમને લુટવાની ટેવ છે તેવી કોંગ્રેસ પાર્ટીને આ મંજૂર નથી. કોંગ્રેસ પાર્ટીને તેમાથી પણ ભાગ જોઇએ છે. આ વિચાર રજૂ કર્યો તેના કારણે દેશભરમા હલચલ છે. જો કોંગ્રેસ સત્તામા આવે અને કોઇ પણ વ્યક્તિએ કરેલી કમાણીમાંથી 55 ટકા હિસ્સો ટેક્સ તરીકે લેવાની વાત કરી છે જેના કારણે જનતામા રોષ જોવા મળ્યો છે.

વધુમાં પાટીલે મનમોહનસિંહએ પાંચ વર્ષ પહેલા આપેલા નિવેદનને ટાંકતા જણાવ્યું કે, કોંગ્રેસ નેતા અને પુર્વ વડાપ્રધાને અંદાજે પાંચ વર્ષ પહેલા નિવેદન કર્યુ હતું કે, આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર લઘુમતીનો છે અને ફરી તેમણે નિવેદન કર્યુ કે આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર મુસલમાનનો છે. આવા નિવેદન કરી જનતાની સંપત્તિ લુટવાનો કોંગ્રેસનો ઇરાદો છે જેના કારણે જનતામાં રોષ જોવા મળે છે. આ પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીએ પણ તેમના નિવેદનને સમર્થન આપ્યું કે જેમની પાસે સંપત્તિ છે તેનો સર્વે કરીશું અને તે સંપત્તિ વહેચી દઇશું. કોઇ વ્યકિત તેમના પરિવારજનને સુખી જીવન આપવાનો પ્રયત્ન કરે છે, જયારે રાહુલ ગાંધી જનતાની સંપત્તિનો સર્વે કરાવી વહેંચવાની વાત કરે છે. તેને ભારતીય જનતા પાર્ટી ચલાવી નહી લે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દેશની જનતાની સંપત્તિ લુટવાની પ્રથા બંઘ કરાવી અને લાભાર્થીઓને સીધો લાભ મળે અને પુરો લાભ મળે તેવી વ્યવસ્થા કરી છે.

પાટીલે વધુમા જણાવ્યું કે, કોંગ્રેસની મંથા મેલી છે તે લોકો સમક્ષ ખુલી થઇ છે. કર્ણાટકની અંદર લાભાર્થીઓનો અધિકાર કાપી ચોક્કસ સમુદાયને ખુશ કરવા 4 ટકા જેટલો રિઝર્વેશન આપવાનો નિયમ કર્યો છે. કોઇ ચોક્કસ સમુદાયને લાભ આપવા અને જે લોકો પીડિત છે તેમને લાભનો અધિકાર ન મળે તેને ભાજપ નહી ચલાવે. લોકોની સંપત્તિ લઇને ચોક્કસ સમુદાયને આપી દેવાની વાત ભાજપ ક્યારેય ચલાવશે નહી. કોંગ્રેસના સમયમાં જે ઘુસ્યા છે તેમને બહાર કરવાને બદલે આર્થિક સહાય કરી મજબૂત કરવાના પ્રયત્નોને સફળ નહીં થવા દઇએ અને ભાજપ મજબૂત સરકાર બનાવી આના પર કામ કરશે તેની ખાતરી આપુ છું.