January 19, 2025

એક વર્ષની અંદર કોલ સેન્ટરો થઈ જશે બંધ, જાણો કારણ

અમદાવાદ: દેશમાં આર્થિક ઉદારીકરણ શરૂ થયું. એ બાદ દુનિયાભરની કંપનીઓ ભારતમાં આવી. દુનિયાની ઘણી કંપનીઓએ પોતાના કારોબાર ભારતમાં શિફ્ટ કર્યો. જેના કારણે દેશમાં કોલસેન્ટરનું પુર આવી ગયું. આ સેક્ટરમાં મોટી રોજગારી ઊભી થઈ, પરંતુ હવે આ સેક્ટર બંધ થાય તેવી આશંકા છે. કોલ સેન્ટર સેક્ટરની સામે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ વિલન બનીને ઊભુ છે. દેશની સૌથી મોટી આઈટી કંપનીના સીઈઓએ કહ્યું કે, દેશના કોલસેન્ટરો પાસે માત્ર એક વર્ષનો સમય છે. એ બાદ AI તેમની સામે મોટી સમસ્યા બનીને ઊભુ હશે.

AIની અસર સમગ્ર એશિયાના કોલ સેન્ટરો પર જોવા મળશે
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના સીઈઓ કે કૃતિવાસને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, AIની અસર સમગ્ર એશિયાના કોલ સેન્ટરો પર જોવા મળશે. કંપનીઓને હવે કોલ સેન્ટરની જરૂર નહીં પડે. MNC ઝડપથી AI અપનાવી રહી છે. તેની અસર ટૂંક સમયમાં જોવા મળશે. હાલમાં કોલ સેન્ટરની નોકરીઓમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી. જો કે, નોકરીઓ પર AIની અસરની શક્યતાને ટાળી શકાતી નથી. તેમણે કહ્યું કે કોલ સેન્ટરમાં ઓછું કામ મળવા લાગશે. ટેક્નોલોજીની મદદથી ગ્રાહકોની સમસ્યાઓનો ઉકેલ મળવા લાગશે. જનરેટિવ AI થી સજ્જ ચેટબોટ્સ ગ્રાહકોના ટ્રાન્ઝેક્શન ઇતિહાસને સમજીને કોલ સેન્ટર એજન્ટ જે કામ કરે છે તે તમામ કામ કરવા માટે સક્ષમ હશે.

આ પણ વાંચો: Air India માટે મુશ્કેલીઓ વધી, IndiGoનો ફરી ડંકો

કોલ સેન્ટર અને સોફ્ટવેર ડેવલપરની નોકરીઓ પર જોખમ
સમગ્ર વિશ્વમાં કોલ સેન્ટર્સ અને સોફ્ટવેર ડેવલપર્સની નોકરીઓ AI થી જોખમમાં છે. ભારત તેના સેવા ક્ષેત્ર માટે જાણીતું છે. આવી સ્થિતિમાં, ભારતમાં નોકરીઓ એઆઈથી વધુ જોખમમાં છે. NASSCOMના એક અહેવાલ મુજબ, દેશનો IT અને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ ઉદ્યોગ લગભગ $48.9 બિલિયનનું છે. આના દ્વારા દેશમાં લગભગ 50 લાખ લોકોને રોજગાર મળ્યો છે.

સમય અનુસાર વર્કફોર્સને તાલીમ
કે કૃતિવાસને કહ્યું કે ટેક ઉદ્યોગમાં પ્રોફેશનલ્સની માંગ ન તો વધશે કે ઘટશે. તેમણે કહ્યું કે આપણે આપણા કર્મચારીઓને બદલાતા સમય અનુસાર તાલીમ આપવી પડશે. TCSએ દેશમાં લગભગ 6 લાખ લોકોને રોજગારી આપી છે. કંપનીની વાર્ષિક આવક અંદાજે $30 બિલિયન છે. TCS CEOએ કહ્યું કે નોકરીઓ પર AIની અસર તરત જ દેખાશે નહીં. આની લાંબાગાળાની અસર પડશે. ટેકનોલોજીની માંગ વધી રહી છે. AIના આગમન પછી, TCSના ક્લાઉડ બિઝનેસ યુનિટને 200 થી વધુ પ્રોજેક્ટ્સ મળ્યા છે. આવી સ્થિતિમાં કર્મચારીઓની કુશળતા વધારીને અમે તેમને AI સામે લડવા માટે તૈયાર કરી શકીએ છીએ.