November 14, 2024

રાષ્ટ્રપતિએ વેંકૈયા નાયડુ સહિત અનેક લોકોને પદ્મ પુરસ્કારથી કર્યા સન્માનિત

અમદાવાદ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને અન્ય મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ મુર્મુએ વેંકૈયા નાયડુને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. આ સિવાય સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠકને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યું હતું. અભિનેતા મિથુન ચક્રવર્તી, પૂર્વ ગવર્નર રામ નાઈક, ગાયિકા ઉષા ઉથુપ અને ઉદ્યોગપતિ સીતારામ જિંદાલને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: મહેસાણા લોકસભા બેઠકનો ઇતિહાસ, જાણો તમામ માહિતી

મહત્વનું છે કે, આજે કેટલાક મહાનુભાવોને પુરસ્કારો આપવામાં આવ્યા હતા. બાકીના પુરસ્કારો આવતા અઠવાડિયે આપવામાં આવે તેવી શક્યતા છે. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે પદ્મ પુરસ્કારો 
દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનો પૈકીના એક પદ્મ પુરસ્કારને ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. પુરસ્કારો વિવિધ વિષયો અથવા ક્ષેત્રોમાં આપવામાં આવે છે. તેમાં કળા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ કલા ક્ષેત્રે ભજન ગાયક કાલુરામ બામણિયા, ચિકિત્સા ક્ષેત્રે તેજસ મધુસુદન પટેલ, બાંગ્લાદેશી ગાયિકા રેઝવાના ચૌધરી બાન્યા, કલા ક્ષેત્રે નસીમ બાનો, ટેનિસ ખેલાડી રોહન બોપન્ના, દ્રોણા ભુયાને ચિકિત્સા ક્ષેત્રે સન્માનિત કર્યા હતા. કલાના ક્ષેત્રમાં, ચિકિત્સા ક્ષેત્રે મનોહર કૃષ્ણ ડોલે અને વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે રામ ચેત ચૌધરીને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ સાથે પેરા સ્વિમર સત્યેન્દ્ર સિંહ લોહિયા વ્હીલ ચેર પર એવોર્ડ લેવા પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ આગળ આવ્યા અને તેમનું સન્માન કર્યું.

ગુજરાતની હસ્તિઓને અપાયા પદ્મ પુરસ્કારો
આજે રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના 5 મહાનુભાવોને પદ્મ વિભૂષણ, 17 લોકોને પદ્મ ભૂષણ એનાયત કર્યા છે. આ ઉપરાંત 110 પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યા. જેમાં ડો. તેજસ પટેલને પદ્મ ભૂષણ, રઘુવીર ચૌધરીને પદ્મ શ્રી, યઝદી ઈટાલિયાને પદ્મ શ્રી, હરીશ નાયકને પદ્મ શ્રી, દયાળ પરમારને પદ્મ શ્રી, જગદીશ ત્રિવેદીને પદ્મ શ્રી એનાયત કરાયા છે.

ગુજરાતના જાણીતા ડૉ. તેજસ પટેલને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા

આ વર્ષે ઘણા લોકોનું સન્માન કરવામાં આવ્યું
રાષ્ટ્રપતિએ 2024 માટે 132 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. જેમાં 132 પદ્મ પુરસ્કારોમાં પાંચ પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 110 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. વિજેતાઓમાં 30 મહિલાઓ છે. આ સાથે વિદેશી, NRI, PIO, OCI કેટેગરીના આઠ લોકો અને નવ મરણોત્તર એવોર્ડ વિજેતાઓનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રસિદ્ધ લોક કલાકાર જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ જાહેરાત કરવામાં આવી
અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે પદ્મ વિભૂષણ, ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે પદ્મ ભૂષણ અને કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે પદ્મ શ્રી એનાયત કરવામાં આવે છે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે.