December 18, 2024

આપ નેતા ગોપાલ ઈટાલીયાનો આરોપ,‘નિલેશ કુંભાણીના ટેકેદારોને બંધક બનાવાયા’

જો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થાય તો સુરેશ પડસાલાને કોંગ્રેસ તક આપશે.

Lok Sabha Election 2024: સુરતમાં લોકસભાની ચૂંટણીની ફોર્મ ચકાસણી પ્રક્રીયા કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, અમારી સિગ્નેચર નથી. જે બાદ નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઊઠ્યો છે. જોકે કલેક્ટરે નિલેશ કુંભાણીને આજે સાંજના 4 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. ટેકેદારો ફરી ગયા હોવાની વાત સામે આવી હતી.

જોકે હવે સુરત કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ્દને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થાય તો સુરેશ પડસાલાને કોંગ્રેસ તક આપશે. સુરેશ પડસાલાએ કોંગ્રેસ તરફથી ડમી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જોકે હજુ સુધી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ રદ્દની સત્તાવાર જાહેરાત થઇ નથી.

ત્યાં જ આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, કોંગ્રેસના ફોર્મ રદ્દ થવાને લઈ આવતીકાલે સુનાવણી થશે. ટેકેદારોને બંધક બનાવાયા છે. તેમને ધાકધમકી આપી એફિડેવિટ અપાવ્યું હોવાનો આરોપ ગોપાલ ઈટાલીયાએ કર્યો છે. 3 ટેકેદારો પાર્ટીના કાર્યકર્તા છે અને આ બાબતે અમે પોલીસમાં ફરિયાદ આપી છે. ત્યાં જ કલેકટરને પણ આ બાબતે ફરિયાદ કરાઈ છે.