December 19, 2024

રામનવમી પર અયોધ્યામાં ભગવાન શ્રીરામ પર “દિવ્ય અભિષેક”

અમદાવાદ: અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પહેલી રામ નવમી છે. આથી અયોધ્યા અને સમગ્ર દેશ માટે આ રામ નવમી વિશેષ અને ઐતિહાસિક છે. આજે ભગવાનશ્રી રામની મૂર્તિ પર સૂર્યના કિરણોથી તિલક થશે. એ પહેલા જ શ્રીરામના દર્શન માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી છે. વહેલી સવારથી જ રામ ભક્તોએ સરયુ નદીમાં સ્નાન કરી મંદિર તરફ પ્રયાણ કર્યું હતું.

રામ નવમી નિમિત્તે અયોધ્યાના રામ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી. વર્ષો બાદ પ્રથમ વખત અયોધ્યામાં રામ મંદિરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે “આજે શ્રી રામ નવમીના શુભ દિવસે શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામને સરકારનો દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો”.

રામ નવમીના તહેવાર પર રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ કહે છે કે, ભગવાન રામને છપ્પન ભોગ ચઢાવવામાં આવ્યો હતો. જે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે રામ નવમીનો મેળો પણ યોજાયો છે. ભક્તોનું ઘોડાપૂર મંદિરમાં જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, રામનવમીના અવસર પર દેશભરના ભક્તોએ ભગવાન રામ પાસે પ્રાર્થના કરી અને આશીર્વાદ માંગ્યા. અયોધ્યાના હનુમાન ગઢી મંદિરમાં પણ ભક્તો પૂજા માટે એકઠા થયા હતા.