December 23, 2024

પબ્લિસિટી માટે સલમાને કરાવ્યું ફાયરિંગ? KRKએ ગણાવ્યું ડ્રામા

Salman Khan House Firing: બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાનના ઘરની બહાર રવિવારે સવારે 5 વાગ્યે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સલમાનના ઘરે બાઇક સવારોએ ગોળીબાર કર્યો ત્યારે અભિનેતા તેના ઘરે હતો. સલમાનના ઘરની બહારનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેના ઘરની દિવાલો પર ગોળીઓના નિશાન જોઈ શકાય છે.

KRKએ ભાઈજાનના ઘરે ફાયરિંગને ડ્રામા ગણાવ્યું હતું
ઘરની બહાર ફાયરિંગ બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પણ સલમાન ખાન સાથે ફોન પર વાત કરી હતી. તેમણે મુંબઈ પોલીસ કમિશનરને સલમાનની સુરક્ષા વધારવા માટે કહ્યું છે. હવે આ બધાની વચ્ચે કમાલ રાશિદ ખાન ફરી એકવાર પોતાની એક્સ પોસ્ટને લઈને ચર્ચામાં આવ્યા છે. KRKએ X પર પોસ્ટ કરીને સલમાન પર નિશાન સાધ્યું છે.

KRKએ ‘X’ પર ટ્વિટ કરીને લખ્યું, ‘આ બધુ સલ્લુનું ડ્રામા છે. સલ્લુ ભારતનો સૌથી મોટો ગેંગસ્ટર છે અને બીજા બધા ગેંગસ્ટર તેના માટે કામ કરે છે. સવારે 5 વાગ્યે જ્યારે બધા સૂતા હતા ત્યારે હવામાં ગોળીબાર કેમ કર્યો? દયા અને પ્રસિદ્ધિ મેળવવા તેણે આ બધી ગોઠવણ કરી હશે! કારણ કે તે જાણે છે કે તેણે સુશાંત સિંહ સાથે શું કર્યું તે હું જાહેર કરવાનો છું.

તમને જણાવી દઈએ કે બાંદ્રામાં ભાઈજાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર કેટલાક અજાણ્યા લોકો આવ્યા હતા અને અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બંને શખ્સો બાઇક પર આવ્યા હતા અને હવામાં ગોળીબાર કરીને ભાગી ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસે તેની તપાસ શરૂ કરી હતી. ફોરેન્સિક ટીમને બાલ્કનીમાંથી ગોળીઓના નિશાન મળ્યા છે. પોલીસ હાલમાં ઘરની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે.

આ ઘટના બાદ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સલમાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સલમાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી છે. આ પહેલા પણ લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને ઘણી વખત મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ સલમાન ખાનના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

ફિલ્મમેકર અશોક પંડિતે રોષ વ્યક્ત કર્યો હતો
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ બાદ બોલિવૂડ ફિલ્મમેકર અશોક પંડિતે પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે. અશોકે કહ્યું છે કે, ‘સલમાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બાઇક સવારો ખૂબ જ સક્રિય ગુનેગારો છે. મને વિશ્વાસ છે કે મહારાષ્ટ્ર સરકાર જલ્દી જ આ લોકોને પકડી લેશે અને તેમની સામે કડક કાર્યવાહી કરશે. મને વિશ્વાસ છે કે મહારાષ્ટ્ર સરકાર એવી કાર્યવાહી કરશે કે જે સલમાન ખાન સાથે થયું તે ભવિષ્યમાં કોઈની સાથે ન થાય.