September 20, 2024

મિત્ર દ્વારા અન્ય મિત્ર પર જીવલેણ હુમલો, પોલીસે આરોપીની ધરપકડ કરી

Surat friend fatal attack on other friend police arrested accused

આરોપીની તસવીર

અમિત રુપાપરા, સુરતઃ શહેરના ઉધના વિસ્તારમાં આવેલી ઓફિસમાં મિત્ર દ્વારા જ મિત્ર ઉપર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરનારા આરોપીની ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હુમલા પાછળનું કારણ 7 વર્ષ અગાઉ આરોપીએ મિત્રની માતાને કોઈ કારણોસર ગાળો ભાંડી હતી. જેથી મિત્ર દ્વારા આરોપીને લાફો ઝીંકવામાં આવ્યો હતો. આ લાફાનો બદલો વાળવા આરોપીએ મિત્ર પર ગત રોજ અન્ય મિત્રોની હાજરીમાં ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાનાલાઇવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉધના વિસ્તારમાં આવેલી દત્ત કુટીર ખાતે જીવલેણ હુમલાની ઘટના બની હતી. દત્ત કુટીર સોસાયટીમાં રહેતા રાહુલ જાદવ પર તેના જ મિત્ર કિરણ આહિરે દ્વારા ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાહુલ જાદવને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી હતી. ઉધનાની દત્ત કુટીર સોસાયટીમાં આવેલા એક ઓફિસમાં રાહુલ જાદવ અને તેનો મિત્ર કિરણ આહિરે અન્ય મિત્રો સાથે બેઠા હતા. આ દરમિયાન સોફા પર બેઠેલા કિરણ આહિરે રાહુલ જાદવ પર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલા બાદ તાત્કાલિક ધોરણે બેઠેલા તમામ અન્ય મિત્રોએ કિરણ આહિરેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ કિરણ આહિરે ઘટનાસ્થળ પરથી નાસી છૂટ્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત રાહુલ જાદવને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ 1951ની લોકસભા ચૂંટણીઃ કચ્છ-સૌરાષ્ટ્ર અને બોમ્બે રાજ્યોમાં કઈ બેઠક પર કોણ જીત્યું?

બીજી તરફ ઘટનાની જાણકારી મળતા ઉધના પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. ઉધના પોલીસે કિરણ આહિરે સામે ગુનો દાખલ કરી ધરપકડ માટેની તજવીજ હાથ ધરી હતી. આરોપીની ધરપકડ કરવા ઉધના પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી. જ્યાં ઉધના પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો હતો.

આ પણ વાંચોઃ ગરમી વઘતા ઝાડા-ઉલ્ટી, હિટ સ્ટ્રોક અને લૂ લાગવાના કેસમાં વધારો

આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, સાત વર્ષ અગાઉ આરોપી કિરણ આહિરેએ ઇજાગ્રસ્ત રાહુલ જાદવની માતાને ગાળો ભાંડી અભદ્ર વર્તન કર્યું હતું. જેથી જે તે સમયે રાહુલ જાદવે ઠપકો આપી લાફો મારી દીધો હતો. સાત વર્ષ અગાઉ બનેલી આ ઘટનાની અદાવત રાખી કિરણે રાહુલ પર હુમલો કર્યો હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી હતી. કિરણ આહીરે સાથે આ હુમલામાં તેના અન્ય મિત્રો પણ સામેલ છે કે કેમ તેની વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે.