January 1, 2025

‘ભારત રત્ન’ લાલ કૃષ્ણ અડવાણીનું ગુજરાત કનેક્શન, રામ રથયાત્રાથી માંડીને સાંસદ સુધીની કહાણી

bharat ratna lal krishna adwani gujarat connection ram rathyatra dypm mp see all details

લાલ કૃષ્ણ અડવાણી - ફાઇલ

અમદાવાદઃ ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને 31મી માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારત રત્નથી સન્માનિત કરશે. અડવાણી અત્યાર સુધીમાં સૌથી વધુ સમય સુધી ભાજપના અધ્યક્ષ રહ્યા છે. આ ઉપરાંત તેઓ દેશના નાયબ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે.

પાકિસ્તાનના કરાચીમાં જન્મ થયો
લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927ના રોજ પાકિસ્તાનના કરાચીમાં એક હિન્દુ સિંધી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનચંદ અડવાણી અને માતાનું નામ જ્ઞાની દેવી છે. તેમના પિતા વ્યવસાયે ઉદ્યોગપતિ હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ કરાચીની સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાંથી મેળવ્યું હતું. ત્યારપછી તેઓ ડીજી નેશનલ સ્કૂલ, હૈદરાબાદ, સિંધમાં જોડાયા હતા.

bharat ratna lal krishna adwani gujarat connection ram rathyatra dypm mp see all details
નરેન્દ્ર મોદી સાથે લાલ કૃષ્ણ અડવાણી – ફાઇલ

હિજરત સમયે પરિવાર ભારતમાં આવ્યો
અડવાણી દેશની આઝાદીની ઉજવણી પણ કરી શક્યા ન હતા. કારણ કે, આઝાદીના થોડા કલાકોમાં જ તેમણે પોતાનું ઘર છોડીને ભારત જવાનું થયું હતું. ભાગલા સમયે તેમનો પરિવાર પાકિસ્તાન છોડીને મુંબઈમાં સ્થાયી થયો હતો. અહીં તેમણે બોમ્બે યુનિવર્સિટીની લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. તેમની પત્નીનું નામ કમલા અડવાણી છે. તેમના પુત્રનું નામ જયંત અડવાણી અને પુત્રીનું નામ પ્રતિભા અડવાણી છે.

વર્ષોથી સુધી RSSમાં કામ કર્યું
સૌથી લાંબા સમય સુધી ભાજપના અધ્યક્ષ રહેલા અડવાણીએ તેમની રાજકીય કારકિર્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શરૂ કરી હતી. ઘણા વર્ષો સુધી અડવાણી રાજસ્થાનમાં આરએસએસના પ્રચારક તરીકે કામ કરતા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીનો પાયો નાંખનારાઓમાં સામેલ છે.

bharat ratna lal krishna adwani gujarat connection ram rathyatra dypm mp see all details
રામ રથયાત્રા દરમિયાન લાલ કૃષ્ણ અડવાણી – ફાઇલ

ત્રણ વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા
1980-1990ની વચ્ચે અડવાણીએ ભાજપને રાષ્ટ્રીય સ્તરની પાર્ટી બનાવવાનું કામ કર્યું. લાલકૃષ્ણ અડવાણી ત્રણ વખત (1986થી 1990, 1993થી 1998 અને 2004થી 2005) ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. 1984માં માત્ર બે બેઠકો જીતનાર પાર્ટીને આગામી લોકસભા ચૂંટણીમાં 86 બેઠકો મળી હતી. પાર્ટીની સ્થિતિ 1992માં 121 અને 1996માં 161 સીટો પર પહોંચી ગઈ હતી. આઝાદી પછી પહેલીવાર કોંગ્રેસ સત્તાની બહાર હતી અને ભાજપ સૌથી મોટી સંખ્યા ધરાવતી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. આ દરમિયાણ તેમણે ગુજરાતના ગાંધીનગરથી પણ સાંસદ માટે ચૂંટણી લડી હતી. વર્ષ 1991થી 1996 સુધી તેઓ પહેલીવાર ગાંધીનગર લોકસભા બેઠક પર સાંસદ રહ્યા હતા. ત્યારબાદ વર્ષ 1998થી 2014 સુધી તેઓ ગાંધીનગર લોકસભા બેઠક પરથી સાંસદ રહ્યા હતા.

bharat ratna lal krishna adwani gujarat connection ram rathyatra dypm mp see all details
પૂર્વ વડાપ્રધાન અટલ બિહાર વાજપેયી સાથે લાલ કૃષ્ણ અડવાણી – ફાઇલ

તેઓ 1998 અને 2004ની વચ્ચે ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)માં ગૃહમંત્રી હતા. લાલ કૃષ્ણ અડવાણીએ 2002 અને 2004 વચ્ચે અટલ બિહારી વાજપેયીની સરકારમાં ભારતના સાતમા નાયબ વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું. 10મી અને 14મી લોકસભા દરમિયાન તેમણે વિપક્ષના નેતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી છે. 2015માં તેમને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

1980ના દાયકાની શરૂઆતમાં વિશ્વ હિંદુ પરિષદે અયોધ્યામાં રામ જન્મભૂમિના સ્થળે મંદિરના નિર્માણ માટે ચળવળ શરૂ કરી હતી. બીજી તરફ અડવાણીના નેતૃત્વમાં ભાજપ રામમંદિર આંદોલનનો ચહેરો બની ગયો. અડવાણીએ 25 સપ્ટેમ્બર, 1990ના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ પર સોમનાથથી રામ રથયાત્રાની શરૂઆત કરી હતી.

bharat ratna lal krishna adwani gujarat connection ram rathyatra dypm mp see all details
પદ્મ વિભૂષણ એવોર્ડ સ્વીકારતા લાલ કૃષ્ણ અડવાણી – ફાઇલ

અડવાણી વિશે 10 ખાસ વાતો

  • અડવાણીએ કરાચીની સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.
  • 1947માં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સચિવ બન્યા હતા.
  • અડવાણી 1970માં પહેલીવાર રાજ્યસભાના સાંસદ બન્યા હતા.
  • અડવાણી ફિલ્મ સમીક્ષક રહી ચૂક્યા છે. તેમને ચોકલેટ, ફિલ્મો અને ક્રિકેટનો ખૂબ જ શોખ છે.
  • 1944માં તેમણે કરાચીની મોડેલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કર્યું.
  • અડવાણીએ એક પુસ્તક લખ્યું છે – માય કન્ટ્રી, માય લાઈફ.
  • સૌને ચોંકાવી દેતા તેમણે 2013માં તેમના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું.
  • 1980માં ભારતીય જનતા પાર્ટીની રચના થઈ ત્યારથી તેઓ સૌથી વધુ સમય સુધી પાર્ટીના અધ્યક્ષ પદ પર રહ્યા હતા.
  • અડવાણીએ અત્યાર સુધીમાં અડધો ડઝનથી વધુ રથયાત્રાઓ કાઢી છે. જેમાં ‘રામ રથયાત્રા’, ‘જનદેશ યાત્રા’, ‘સુવર્ણ જયંતિ રથયાત્રા’, ‘ભારત ઉદય યાત્રા’ અને ‘ભારત સુરક્ષા યાત્રા’ અને ‘જનચેતના યાત્રા’ મુખ્ય છે.