December 18, 2024

અમરેલીના સાંસદ નારણ કાછડીયાની એક પોસ્ટને લઇને અનેક તર્કવિતર્ક

અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ ગીતામાં લખેલ એક વાતને સંદર્ભમાં રાખી પોસ્ટ કરી છે.

અમરેલી: અમરેલીના સાંસદ નારણ કાછડીયાની સોશિયલ મીડિયામાં કરેલી એક પોસ્ટ વાયુવેગે વાયરલ થઇ રહી છે. નારણ કાછડીયાની આ પોસ્ટ બાદ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું બજાર ગરમાઇ ગયું છે. તમને જણાવી દઇએ કે, હાલમાં જ તેમની ટિકિટ કપાયા બાદ આ પોસ્ટને લઇને અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે.

અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ ગીતામાં લખેલ એક વાતને સંદર્ભમાં રાખી પોસ્ટ કરી છે, જેમાં લખવામાં આવ્યું છે કે, ‘સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઉભુ હશે અને અસત્યની ફોજ લાંબી હશે. કારણ કે અસત્ય પાછળ મૂર્ખાઓનું ટોળું હશે પરંતુ સત્યની હંમેશા જીત થશે. કોઇ કપટ કરે તો પણ હસતા રહો’.

આ પણ વાંચો: ગરજ છે એટલે માફી માગે છે, પછી એના જ રંગમાં આવી જશે: ક્ષત્રિય સમાજ

તમને જણાવી દઇએ કે, અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગી થઇ છે. હાલ અહીં નારણ કાછડીયા વર્તમાનમાં સાંસદ છે પણ તેમની ટિકિટ કપાઇ છે અને તેમના સ્થાને ભાજપે ભરત સુતરીયાને ટિકિટ આપી છે. અમરેલી લોકસભા સીટ પરથી વર્ષ 2009 થી 2024 સુધી સતત નારણ કાછડિયા સાંસદ રહ્યા છે. જો કે આ વખતે ભાજપ પહેલેથી જ તેમને રિપીટ કરવાના મૂડમાં જણાતુ ન હતુ. આથી તેમને ટિકિટ નહીં મળે તે તો નક્કી જ હતુ અને તદ્દન નવા ચહેરાને આગળ કર્યો છે.

જોકે હવે અમરેલીના સાંસદની આ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ સૌરાષ્ટ્રની ખુબ જ મહત્ત્વ ધરાવતી આ બેઠકનું રાજકારણ આગામી સમયમાં ગરમાઇ શકે છે તો સુત્રોનું માનીએ તો આ બેઠક પર આગામી સમયમાં કોઇ નવાજૂની થઇ શકે છે.