December 22, 2024

BJPના સાબરકાંઠાથી નવા જાહેર કરાયેલા શોભનાબેન બારૈયા કોણ છે?

પાર્થ ભટ્ટ, સાબરકાંઠા: BJPની પાંચમી ઉમેદવાર યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના બાકી રહેલા 4 ઉમેદવાર સહિત 2 બેઠકો પર ફરી નવા ઉમેદવારોની જાહેરાત કરી છે. આ યાદીમાં સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયાની પસંદગી કરી છે. શોભનાબેન બારૈયા છેલ્લા 30 વર્ષથી પ્રાંતિજના માલિશના ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત પ્રાંતિજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના ધર્મપત્ની છે.

લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ સાબરકાંઠામાં BJPએ ભીખાજી ઠાકોરને ટિકિટ આપ્યા બાદ વિવાદનું વમળ સર્જાતા તેમણે ચૂંટણી લડવાની અસમર્થતા દર્શાવી હતી. તે બાદ BJPએ સાબરકાંઠામાં ભાજપના લોકસભાના ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાનું નામ જાહેર કર્યું છે. તેમનું નામ જાહેર થતાં જ ભાજપના સમર્થકો અને કાર્યકરો દ્વારા ફટાકડાં ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવી તેમના નામની પસંદગીને વધાવી લેવાય છે. આ સમયે શોભનાબેને વિકાસના મુદ્દે છેવાડાના મતદાર સુધી પહોંચીને પાંચ લાખથી વધારે લીડથી આ બેઠક કબજે કરશે તેવું નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો: Lok Sabha Election: 2024 લોકસભા ચૂંટણીમાં કયા મુદ્દા રહેશે હાવી?

સાબરકાંઠા જિલ્લામાં પહેલાથી જ ક્ષત્રિય મતદારો તેમજ ઉમેદવારોનું પ્રભુત્વ રહ્યું છે. 9 લાખથી વધારે ક્ષત્રિય મતદારો હોવાની સાથોસાથ આ બેઠક ઉપર પ્રાંતિજ વિસ્તારનું પ્રભુત્વ રહ્યું છે. ત્યારે ભાજપે ફરી એકવાર સતત હેટ્રિક ગણાય તે રીતે પ્રાંતિજના જ લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. શોભનાબેન બારૈયા મૂળ શિક્ષકા છે. તેવો છેલ્લા 30 વર્ષથી બાલીસણા ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમણે સાબરકાંઠાના હિંમતનગર ખાતે અભ્યાસ કર્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠકના મતદારો આગામી સમયમાં વિજયનો રસ કોને આપે છે એ તો સમજ બતાવશે, પરંતુ હાલમાં ભાજપના લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ પૂર્ણ આત્મવિશ્વાસથી આ બેઠક ભાજપ કબજે કરશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો છે.