આજે વિશ્વ ચકલી દિવસ, લુપ્ત થતી ચકલીને બચાવવા અનેક પ્રયાસ
સાગર ઠાકર, જૂનાગઢઃ એક સમયે ચકલી સર્વવ્યાપી હતી. મનુષ્યના વસવાટ સાથે ચકલીઓ વ્યાપક પ્રમાણમાં જોવા મળતી હતી. જૂના જમાનામાં મકાનનું બાંધકામ પણ એવું હતું કે, તેમાં ચકલી પોતાનો માળો બાંધીને મનુષ્યોની સાથોસાથ ચકલીઓ જોવા મળતી હતી.
સમયાંતરે પરિવર્તન આવ્યું અને મકાનનું બાંધકામ બદલાયું. સિમેન્ટના મકાનોમાં ખાંચાખૂંચી કે ગોખલા, નળીયા, થાંભલી વગેરે ભૂતકાળ બની જતાં ચકલીના માળા લુપ્ત થઈ ગયા હતા. પરિણામે શહેરમાંથી ચકલીઓ ગાયબ થતી ગઈ. જો કે, ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ ચકલીઓ જોવા મળે છે.
લુપ્ત થતી જતી ચકલીને બચાવવા હવે જાગૃતિ જોવા મળી રહી છે. છેલ્લા 14 વર્ષમાં વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ, પક્ષી-પ્રેમીઓ દ્વારા માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેથી શહેરમાં પણ હવે ચકલીઓ જોવા મળે છે. પરંતુ હજુ જોઈએ તેવી સફળતા મળી નથી. વૃક્ષોની છાયામાં પાણીના કુંડા અને અનાજના દાણાંની વ્યવસ્થા કરીને ચકલીનું જતન કરી શકાય છે.
જૂનાગઢ શહેરમાં પણ યોગ્ય માળાની અને ખોરાક પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો ચકલીઓને ફરી પ્રસ્થાપિત કરી શકાય તેમ છે. વિશ્વ ચકલી દિવસ વર્ષ 2010થી મનાવવામાં આવે છે. આધુનિક યુગમાં પર્યાવરણનું જતન કરવા પ્રકૃતિનું જતન કરવા પક્ષીઓને બચાવવા જરૂરી છે. કારણ કે, પ્રકૃતિનું સંતુલન જાળવી રાખવા હેતુ તમામ પરિબળો પૈકી ચકલીનું જતન કરવું પણ જરૂરી છે.