શેરમાર્કેટની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ 73 હજારની નીચે ખૂલ્યો
Share Market Opening: અઠવાડિયાના અંતિમ દિવસે શેર માર્કેટ લાલ નિશાન સાથે ખુલ્યું છે. સેન્સેક્સમાં આજે 180 અંકના ઘટાડા સાથે 73 હજારની નીચે ખુલ્યું છે. શરૂઆતની થોડી મિનિટોમાં સેન્સેક્સ 250 અંક નીચે ગગડ્યું છે. સવારે 9.20 મિનિટ પર સેન્સેક્સ 251 અંક નીચે પહોંચ્યું છે. જે 72,845 પર કારોબાર કરી રહ્યું છે. નિફ્ટી લગભગ 70 અંક ગગડીને 22,075 પર પહોંચ્યું છે. પ્રી-ઓપન સેશનમાં બજાર સુસ્ત રહેવાના સંકેત મળી ચૂક્યા છે. પ્રી-ઓપન સેશનમાં નિફ્ટી 50 અને સેન્સેક્સ 210 અંકથી વધારે નુકસાનથી નીચે આવ્યુ હતું.
આજે શેરમાર્કેટની સ્થિતિ
શરૂઆતના સત્રમાં મોટા ભાગના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 8 સિવાય બાકીની 22 કંપનીઓના શેર ખોટમાં હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.37 ટકાની ખોટ સાથે સૌથી વધુ તૂટ્યો હતો. ઇન્ફોસિસ અને એક્સિસ બેન્ક જેવા શેર એક-એક ટકાથી વધુ ખોટમાં હતા. આજે આઈટી શેર પર દબાણ જોવા મળી રહ્યું છે. એચસીએલ ટેક, વિપ્રો, ટીસીએસ, ટેક મહિન્દ્રા સહિતના તમામ મોટા આઈટી શેર રેડ ઝોનમાં છે. બીજી તરફ પવર ગ્રીડ કોર્પોરેશનના શેરમાં સૌથી વધુ 1.30 ટકાનો વધારો થયો હતો. ટાટા મોટર્સ, ભારતી એરટેલ, એસબીઆઈ જેવા મોટા શેરો પણ ગ્રીન ઝોનમાં હતા.
ગઈકાલે બજારમાં સારી રિકવરી
આ પહેલા ગુરુવારે બજારે શરૂઆતી ઘટાડામાંથી રિકવર કરી સારી વાપસી કરી નફામાં પહોંચ્યું હતું. ટ્રેડિંગના અંત બાદ BSE સેન્સેક્સ 335.39 પોઈન્ટ (0.46 ટકા)ના વધારા સાથે 73,097.28 પોઈન્ટ પર હતો, જ્યારે NSE નિફ્ટી 148.95 પોઈન્ટ (0.68 ટકા)ના વધારા સાથે 22,146.65 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
વિદેશી બજારોમાં પતનનું વર્ચસ્વ
ગુરુવારે અમેરિકન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. વોલ સ્ટ્રીટ પર, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.35 ટકા ઘટ્યો, જ્યારે એસએન્ડપી500 0.29 ટકા ઘટ્યો અને ટેક-ફોકસ્ડ ઇન્ડેક્સ નાસ્ડેક કંપોજિટ 0.30 ટકા ઘટ્યો. આજના કારોબારમાં એશિયન બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જાપાનનો નિક્કી 0.30 ટકાના નુકસાનમાં છે. હોંગકોંગના હેંગસેંગ અને દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.