January 6, 2025

દિલ્હીમાં નમાઝ પઢનાર વ્યક્તિને લાત મારનાર પોલીસકર્મી સસ્પેન્ડ

Delhi Namaz Viral Video: દિલ્હીના ઈન્દ્રલોક વિસ્તારમાં રોડ કિનારે નમાઝ (Namaz) અદા કરી રહેલા નમાઝિઓને લાત મારનાર સબ ઈન્સ્પેક્ટર (Sub Inspector Suspended)ને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પોલીસકર્મી સામે જરૂરી શિસ્તબદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે.આ ઘટના બાદ ત્યાં હાજર રહેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ ગઇ હતી અને દિલ્હી પોલીસ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. હાલ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે, જોકે હવે સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે. બીજી બાજુ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ ઘટના અંગે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તે જ સમયે, સબ-ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે ઇમરાન પ્રતાપગઢીએ ફરીથી પોસ્ટિંગ કર્યું છે જેમાં પોલીસકર્મી વિરુદ્ધ એફઆઈઆરની માંગ કરી છે.

પ્રતાપગઢીએ ‘X’ પર લખ્યું હતું, “દિલ્હીના ઈન્દ્રલોકમાં નમાઝ અદા કરતી વખતે એક વ્યક્તિને લાત મારનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ સવાલ એ છે કે જે પોલીસકર્મીનો કોમવાદી ચહેરો કેમેરામાં કેદ થયો છે તેની સામે સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર ક્યારે નોંધવામાં આવશે?

દિલ્હી પોલીસ તરફથી આવ્યું નિવેદન
આ ઘટના અંગે ડેપ્યુટી પોલીસ કમિશનર (ઉત્તર) એમકે મીનાનું નિવેદન આવ્યું છે. ડીસીપી મીણાએ કહ્યું કે, વીડિયોમાં દેખાતા પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈન્દ્રલોકમાં હાલ સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. સ્થાનિક લોકોની સાથે મળીને અમે સંદેશ આપ્યો છે કે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી પડશે.લોકોને સમજાવવામાં આવી રહ્યા છે.

બપોરે નમાજ દરમિયાન ઘટના બની
અગાઉ ડીસીપી મીણાએ પણ દેખાવકારોને મળ્યા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. બીજી બાજુ દિલ્હી કોંગ્રેસે આ ઘટનાને શરમજનક ગણાવી અને કહ્યું કે દિલ્હી પોલીસનો એક જવાન નમાઝ અદા કરનાર વ્યક્તિને લાત મારી રહ્યો છે. આનાથી વધુ શરમજનક વાત શું હોઇ શકે? માહિતી અનુસાર આ ઘટના ઈન્દ્રલોક મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે બપોરે લગભગ 2 વાગ્યે ‘અસર કી નમાઝ’ દરમિયાન બની હતી. પોલીસકર્મીએ ગેરવર્તણૂક કર્યા બાદ સ્થાનિક લોકોએ રસ્તા રોકી દીધા હતા અને પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ કરી હતી.