December 19, 2024

બાળક-રમકડાંનું ઉદાહરણ આપી મોહન કુંડારિયાએ ઘણું બધું કહી દીધું

મોહન કુંડારિયાના નિવેદનથી માહોલ ગરમાઈ ગયો છે.

રાજકોટઃ લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તૈયારી ચાલુ કરી નાંખી છે. ત્યારે ભાજપે તાજેતરમાં જ 195 સીટ પર ઉમેદવારીની જાહેરાત કરી હતી. તેમાં ગુજરાતની 15 સીટ પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં 5 નવા નામ ઉમેરવામાં આવ્યા છે. તેમાં રાજકોટની સીટ પરથી રાજ્યસભાના સાંસદ પરશોત્તમ રૂપાલાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

ત્યારે આ અંગે મોહન કુંડારિયાનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ હતુ કે, ‘બેવાર ભાજપના મોવડીમંડળે મને ટિકિટ આપી અને હું જીત્યો હતો. ત્યારે આ વખતે પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે. અત્યાર સુધીમાં મને કુલ 9 વખત ટિકિટ આપી છે. દરેક વખતે હું જીત્યો છું. મને મંત્રીમંડળમાં પણ રાખ્યો હતો.’

ત્યારબાદ તેઓ જણાવે છે કે, ‘પાર્ટી એક મા સમાન હોય છે. માતાને બે બાળક હોય અને બંને રમકડાં માટે ઝઘડતા હોય, ત્યારે નાનું બાળક રડે અને માતા મોટા બાળકના હાથમાંથી રમકડું લઈને નાના બાળકને આપી દે છે. તેના જેવી પરિસ્થિતિ છે. અહીં ભાજપને જીતાડવાની જવાબદારી અમારી છે. મારા કરતાં ડબલ વોટથી જીતે તેવા અમારા પ્રયાસ રહેશે.’

મોહન કુંડારિયા વધુમાં જણાવે છે કે, ‘મારા 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ઘણાં કામ કર્યાનો સંતોષ છે. તેમાં સૌથી મોટી એઇમ્સની ભેટ છે. ત્યારબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, સુરેન્દ્રનગર-રાજકોટ રેલવે ડબલ ટ્રેક કરવામાં આવી છે. આ સિવાય રાજકોટ-જેતપુર સિક્સલેન રોડ, જનાના હોસ્પિટલ સહિત અનેક સુવિધાઓ આપવામાં આવી છે. ત્યારે હવે પરશોત્તમ રુપાલા આ તમામ વિકાસના કામ આગળ વધારશે.’