May 20, 2024

જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો, જુઓ ડ્રોન તસવીરો

જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાને લઈને મોટી સંખ્યામાં ભાવિકો તળેટીમાં ઉમટી પડ્યાં છે.

સાગર ઠાકર, જૂનાગઢઃ મહાશિવરાત્રિના મેળાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગિરનાર દરવાજાથી લઈને ગિરનાર પર્વત સીડી સુધી પોલીસનું ડ્રોનથી સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યુ હતુ. સુરક્ષા માટે DGPએ પ્રહરી વાન ફાળવવામાં આવી છે. 360 ડિગ્રી કેમેરા વડે મોનિટરીંગ થઈ રહ્યું છે. સમગ્ર ભવનાથ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રોનથી સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક કંટ્રોલ, લોકોની અવરજવર વગેરે પર પોલીસ નજર રાખી રહી છે.
મહા વદ નોમથી ચતુર્દશી એમ પાંચ દિવસ જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો ઉજવાય છે પરંતુ ચાલુ વર્ષે દશમનો ક્ષય હોવાથી મેળો ચાર દિવસ ચાલશે. ચતુર્દશી એટલે કે મહાશિવરાત્રીના દિવસે નાગા સાધુઓની રવેડી નીકળશે અને રવેડી બાદ મૃગીકુંડમાં શાહીસ્નાન અને બાદમાં ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે મેળાની પૂર્ણાહુતિ થાય છે. જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો લઘુકુંભ સમાન છે. કારણ કે, આ મેળો ભક્તિ, ભજન અને ભોજનનો મેળો છે. આ સાથે સાધુ સંતોનો મેળો પણ છે અને મોટી સંખ્યામાં ભાવિકો આસ્થા સાથે આ મેળો માણે છે.
મહાશિવરાત્રીના મેળામાં જૂનાગઢમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ અને બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. જૂનાગઢ શહેર, દામોદર કુંડ, ભવનાથ તળેટી, રૂપાયતન, ગિરનાર સીડી એમ પાંચ ઝોન નક્કી કરવામાં આવ્યા છે. તમામ ઝોનમાં ડીવાયએસપી નિરીક્ષણ કરશે. આ સાથે પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ જવાનો, એલસીબી, એસઓજી, ગર્વ ટીમ, શી ટીમ અને એસઆરપી જવાનો તૈનાત રહેશે.
આ સમગ્ર મેળાના રૂટ પર અલગ અલગ જગ્યાએ 22 સ્ટેજ, 4 રાવટી, 7 વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે, 10 સર્વેલન્સ ટીમ, 10 શી ટીમ અસામાજીક તત્વો, છેડતી, ચોરી જેવી ઘટનાઓ પર નજર રાખશે. આ ઉપરાંત 3 બીડીડીએસની ટીમ આધુનિક સાધનો સાથે અને 3 ક્યુઆરટી ટીમ સ્નીફર ડોગ સાથે સમગ્ર મેળામાં સતત ચેકીંગ કરશે. મેળા દરમિયાન ટ્રાફીકની સમસ્યા નિવારવા પાક્રિંગ સ્થળો નિયત કરાયા છે. લોકોને પોતાના વાહનો નિયત પાર્કિંગમાં જ પાર્ક કરવા અપીલ કરાઈ છે.
આ ઉપરાંત નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે, જ્યાં કોઈપણ વાહનો પાર્ક થશે તો તેને ટોઈંગ કરીને ડીટેઈન કરવામાં આવશે. આ સમગ્ર ભવનાથ વિસ્તારમાં 19 લોકેશન પર 79 કેમેરા દ્વારા સર્વેલન્સ કામગીરી થશે. આ મેળામાં 7 ડીવાયએસપી, 23 પીઆઈ, 117 પીએસઆઈ, 1084 પોલીસ જવાનો, 136 ટ્રાફીક પોલીસ, 529 હોમગાર્ડ અને 596 જીઆરડી જવાનો મળીને અંદાજે 2800 જેટલા સુરક્ષાકર્મીઓ સમગ્ર મેળા દરમિયાન ખડેપગે રહેશે.