December 27, 2024

પાટણના સ્થાપના દિવસે રાજપુત કન્યાઓનો અદ્ભુત તલવાર રાસ

ભાવેશ ભોજક, પાટણ: અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા દ્વારા મહાવદ સાતમને રવિવારના રોજ પાટણ નગરના 1279માં સ્થાપના દિવસ પ્રસંગે વિરંજલી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્ટેટના રાજવીઓ, ઉદ્યોગપતિઓ અને ધારાસભ્યોએ ઉપસ્થિત રહી પાટણના વીર રાજપૂતોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ બપોરે નગરદેવી કાલિકા મંદિર ખાતેથી ભવ્ય નગર યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો અને પાટણ નગરપાલિકાના કર્મચારીઓ સહિત નગરજનો જોડાયા હતા.

સવંત 802માં વનરાજ ચાવડાએ તેમના મિત્ર અણહિલ ભરવાડ અને ચાંપા વાણીયાની મદદથી સ્થાપવામાં આવેલ ઐતિહાસિક નગર પાટણના 1279માં સ્થાપના દિવસ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 24માં સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત એમ.એન. હાઈસ્કૂલ ખાતે વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત, રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહજી જાડેજા, વાવ સ્ટેટના ગજેન્દ્રસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વીર વનરાજ ચાવડા, નાયકાદેવી, સિદ્ધરાજ જયસિંહ, વ્યાગ્રદેવની પ્રતિમાઓને માલ્યાર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યું હતું. વિરાંજલી કાર્યક્રમમાં સુરેન્દ્રનગરની નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા રાજપુત કન્યા છાત્રાલયની યુવતીઓએ તલવાર રાસ કરી આમંત્રિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ રાજપૂત સમાજના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરવાનું કાર્ય કર્યું હતુ.

પાટણના નગરદેવી કાલિકામાતાજી મંદિર ખાતે માતાજીની આરતી ઉતારી ભવ્ય શોભાયાત્રાને કુકડ ધ્વજથી રાજવીઓ, પાલિકા પ્રમુખે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શોભાયાત્રામાં બે બગીઓમાં રાજવીઓ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, બિરાજમાન થયા હતા. શોભાયાત્રામાં નગરસેવકો, વેપારીઓ, વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાના લોકો અને શહેરીજનો જોડાયા હતા. આ શોભાયાત્રામાં સિદી ધમાલ નૃત્ય અને આદિવાસી નૃત્ય, 15 ઘોડે સવાર. જેમાં નિશાન ડંકો, નગરપાલિકા ફાયર વિભાગના બુલેટ સવારો રાજપૂત સમાજના લોકો, યુવાનો જોડાયા હતા.

શોભાયાત્રા કાલિકા માતાજી મંદિરથી પ્રસ્થાન થઈ રતનપોળ, ત્રણદરવાજા, હિંગળાચાચર થઈ બગવાડા ખાતે સંપન્ન થઈ હતી. શોભાયાત્રાના માર્ગો પર વેપારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજના યુવાનો દ્વારા તલવાર બાજી કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તો શોભાયાત્રાના માર્ગ ઉપર સિદ્ધિ ધમાલ નૃત્યએ લોકોમાં વિશેષ આકર્ષણ જણાવ્યું હતું. શોભાયાત્રા બગવાડા પહોંચતા રાજા વનરાજ ચાવડા અને સિદ્ધરાજ જયસિંહની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું. ત્યાર બાદ બગવાડા ખાતે સભા યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પાટણની અસ્મિતા ઉજાગર કરવા બદલ પાટણના નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

પાટણ નગરના 1279માં સ્થાપના દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. નગરદેવી મંદિરથી શોભાયાત્રા રાજમાર્ગો પર નીકળી હતી. જેમાં ઠેર-ઠેર નગરજનો દ્વારા વિવિધ સ્ટેટના રાજવીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. તો રાજવીઓએ પાટણ વાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.