ભારતીય નાગરિકતા મેળવવાનું ફેક ડોક્યુમેન્ટનું કૌભાંડ અમદાવાદમાં ઝડપાયું
મિહિર સોની, અમદાવાદ: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ આરામથી ભારતમાં ઘૂસણખોરી કરી દેતા હોય છે પણ હવે આવા જ કેટલાક બાંગ્લાદેશી નાગરિકોએ ભારતીય નાગરિકતા પુરાવા મેળવી લીધા છે. જે ઘટનાને લઈને નેશનલ સિક્યુરિટીનો પણ પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.
પોલીસ ગિરફતમાં આવેલા મહમંદ સુમમહુસેન અને બેગમ રિના બહેરૂદિન જેઓ બાંગ્લાદેશી નાગરિક છે પણ છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર ગુજરાત રહે છે. હવે બન્ને લોકો ભારતીય નાગરિકતા મેળવવા માટે આખો કારસો રચી લીધો અને કેટલાક ખોટા દસ્તાવેજ બનાવી લીધા. અને ખોટા દસ્તાવેજનાં આધારે ઓનલાઇન પ્રોસેસ કરી ચૂંટણી કાર્ડ બનાવી દીધા હતા. જેમાં સરકારી અધિકારીએ દસ્તાવેજની એન્ટ્રી કરતા દસ્તાવેજ ખોટા જણાઈ આવતા તેમની આ પોલ ખુલી ગઈ હતી. જે મામલે ઘાટલોડિયાના સિટી મામલતદાર રાકેશ પટેલે ફરિયાદ કરતા સોલા હાઇકોર્ટ પોલીસે કાર્યવાહી કરી છે. ચૂંટણી કાઢવાની પ્રોસેસ કરનારા સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલ આરોપીમાં મહંમદ સુમમહોશેન અને બેગમ કરીના બહેરઉદ્દીનનાઓની પૂછપરછમાં સામે આવ્યું કે ચાણક્યપુરીમાં આવેલ રીધમ કન્સલટન્સી નામની દુકાનમાં રૂપેશ નેમિચંદ જૈન પાસે ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. જેમાં આરોપીના નામનું કોઈ લાઈટબીલ ઉપર પી.ડી.એફ. એડીટર નામની વેબસાઈટનો ઉપયોગ કરી નામમાં સુધારો કરી બોગસ લાઇટ બીલ બનાવી દીધું હતું. જે બાદ ચૂંટણી કાર્ડ મેળવવા ઓનલાઇન પ્રોસેસથી ચૂંટણી કાર્ડ કઢાવી દીધું. જે ઇલેક્શન કાર્ડના આધારે પાનકાર્ડ કઢાવી લઈ આધારકાર્ડ કઢાવવા પ્રક્રિયા કરતા હતા. ત્યારે ઘાટલોડિયાના સીટી મામલતદારે ધ્યાન પર આવતાં જ પોલીસને જણાવ્યું હતું. અને પોલીસ તપાસમાં ખોટા ડોક્યુમેન્ટ આધારે ચૂંટણી કાર્ડ કાઢવાનું રેકેટ સામે આવ્યું હતું. ત્યારે આરોપી રૂપેશ જૈન થોડા પૈસા કમાવવાની લાલચમાં દસ્તાવેજમાં છેડછાડ કર્યાનું સામે આવ્યું છે. તેમજ અન્ય કેટલા આવા ખોટા દસ્તાવેજ કાઢ્યા હોઈ શકે તેની તપાસ હાથ ધરી છે. તો આ પ્રક્રિયાને લઈને નેશનલ સિક્યોરિટીનો પ્રશ્ન ઉભો થતા સોલા પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.
બે આરોપીઓ ચાણકયાપુરીમાં આવેલ ગોતા હાઉસીંગનાં મકાનમાં રહેતા હતા. જેઓને ભારતીય નાગરિકતા મળે તો સરકારી યોજના સહિત અનેક ફાયદા થાય માટે આ ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરી હતી. પણ આવા અનેક લોકો ખોટા દસ્તાવેજના આધારે ચૂંટણી કાર્ડ કઢાવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. જેને લઇ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.