પ્રશ્નોત્તરી કાળમાં કોંગ્રેસનો હોબાળો, તમામ MLA એક દિવસ માટે સસ્પેન્ડ
ગાંધીનગરઃ વિધાનસભા સત્રમાં નકલી કચેરી મામલે પ્રશ્નોત્તરી કાળમાં હોબાળો થયો હતો. નકલી કચેરીની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો.
કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. ચર્ચા દરમિયાન છોટા ઉદેપુરની નકલી સરકારી કચેરી મામલે ચર્ચા દરમિયાન હોબાળો થયો હતો.
આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ નકલી સરકારી કચેરી મામલે ચર્ચા ચાલુ કરી હતી. આદિજાતિ વિકાસ વિભાગે 21 કરોડ રૂપિયા નકલી કચેરીને ચૂકવ્યા હતા. શિક્ષણમંત્રીએ ગૃહમાં નાણા ચૂકવ્યા હોવાનું સ્વીકાર્યું હતું. આ ઉપરાંત વર્ષ 2016થી કાર્યરત હોવાનું પણ સ્વીકાર્યું છે.
શિક્ષણમંત્રીએ કહ્યુ હતુ કે, ભૂતકાળની સરકારોએ ઘણું કર્યું છે. જેમાં આપણે પડવું નથી. આ નિવેદનને કારણે કોંગ્રેસે ગૃહમાં હોબાળો કર્યો હતો.
હોબાળાને કારણે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી નાંખ્યા છે. ગૃહમાં આજની કાર્યવાહીમાંથી કોંગ્રેસના તમામ ધારાસભ્ય સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો બેઠક પરથી ઉભા થઈને વિરોધ કર્યો હતો.