December 26, 2024

દીકરાના જન્મદિવસની અનોખી ઉજવણી, 140 ઓપરેશન વિનામૂલ્યે કર્યા

devbhumi dwarka vraj hospital doctor sagar kanani did 140 operation free on sons birthday

ડોક્ટરે તેમના દીકરાના જન્મદિવસે ફ્રી મેગા કેમ્પનું આયોજન કર્યું

ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાં આવેલી વ્રજ હોસ્પિટલના ડોક્ટર સાગર કાનાણીના સુપુત્રના જન્મદિવસે એક અનોખી પહેલ કરી છે. તેમણે દર્દીઓના માઇનોર ઓપરેશન વિનામૂલ્યે કરી આપવાનો નિર્ણય કર્યો છે. તબીબ સાગરના પુત્ર શ્રેષ્ઠનો ગુરુવારે જન્મદિવસ હતો, તેની અનોખી ઉજવણી કરવાના ભાગરૂપે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડોક્ટર સાગર કાનાણીએ ગત વર્ષે પણ તેમના પુત્ર શ્રેષ્ઠના જન્મદિવસ નિમિત્તે વ્રજ હોસ્પિટલમાં અનેક દર્દીઓના માઇનોર ઓપરેશન વિનામૂલ્યે કરી આપ્યા હતા. તેમણે આ વર્ષે પણ આ પરંપરાને આગળ ધપાવી છે.

શ્રેષ્ઠના બર્થ ડેની વિશિષ્ટ ઉજવણી કરવા વ્રજ હોસ્પિટલમાં ગુરુવારે માઇનોર ઓપરેશનનો ફ્રી મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં દ્વારકા તેમજ આસપાસના વિસ્તારોના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ દિવસ દરમિયાન તેમણે આ કેમ્પમાં 140 જેટલા માઇનોર ઓપરેશન કરી આપ્યા હતા. આટલું જ નહીં, આ તમામ દર્દીઓને પાંચ દિવસની દવા પણ વિનામૂલ્યે આપી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરના સમયથી એટલે કે આશરે છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ડો. સાગર કાનાણી તેમની વ્રજ હોસ્પિટલમાં અવિરત રીતે નિઃશુલ્ક નિદાન યજ્ઞ ચાલુ રાખ્યો છે. તેમના દ્વારા દર્દીઓને તપાસવાનો (નિદાનના) કોઈપણ પ્રકારની ફી કે ચાર્જ લેવામાં આવતો નથી. જેનો લગભગ એક લાખ કરતાં વધારે દર્દીઓએ લાભ લીધો છે. ડો. સાગર કાનાણીની આ પ્રકારની અવિરત રીતે ચાલતી સેવા પ્રવૃત્તિ પ્રેરણારૂપ બની રહી છે.