May 21, 2024

ઘઉંની આવક વધતા માર્કેટ યાર્ડમાં ભાવ ગગડ્યા

મોડાસા: અરવલ્લી જિલ્લામાં ઘઉંનો પાક તૈયાર થતા ખેડૂતો ઘઉંની સાથે મોડાસા માર્કેટ યાર્ડ ખાતે પહોંચતા હતા, પરંતુ આ વર્ષે માર્કેટ યાર્ડમાં ઘઉંની મબલખ આવક થઈ હતી. જેના કારણે માર્કેટમાં મળતા ભાવોથી ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી.

અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સીઝનમાં ખેડૂતોએ સૌથી વધુ 60 હજાર હેક્ટર જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ પાક તૈયાર થતા હાલ ખેડૂતો ઘઉં વેચવા મોડાસા માર્કેટ યાર્ડમાં આવતા માર્કેટ યાર્ડમાં રોજની 440 બોરી ઘઉંની આવક ચાલુ થઇ છે. શરૂઆતમાં ખેડૂતોને ઘઉંનો ભાવ 400 થી ૫૫૫ સુધી મળી રહ્યો છે, પરંતુ આ ભાવથી પણ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે

મહત્વનું છે કે, ઘઉંની આવક ચાલુ થતા પહેલા જુના ઘઉંનો ભાવ 1000 રૂપિયા જેટલો પ્રતિ 20 કિલોનો મળી રહ્યો હતો. તેવામાં નવી આવક ચાલુ થતા જ ભાવ ઘટી જતા ખેડૂતો નારાજ છે. બીજી તરફ ખાતર, ખેડ અને બિયારણ પણ મોંઘુ થયું છે. તેવા સંજોગોમાં ખેડૂતોને માર્કેટમાં મળતા ભાવ પોષાય તેમ નથી. જેથી ખેડૂતોને નવા ઘઉંના પ્રતિ 20 કિલોના 700 થી 800 રૂપિયા ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે. આ અંગે માર્કેટ યાર્ડના સત્તાધીશોએ કહ્યું કે, ખેડૂતોને ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળી રહ્યા છે, પરંતુ ખેડૂતો આ ભાવમાં પણ નુકશાન જતું હોવાનું જણાવી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે