December 23, 2024

UAE બાદ PM મોદી કતાર પહોંચ્યા, રાજધાની દોહામાં અમીર શેખ સાથે કરી મહત્વપૂર્ણ ચર્ચા

PM Modi in Qatar:  UAEની મુલાકાત પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કતાર પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી તેમની બે દિવસીય સત્તાવાર મુલાકાતે બુધવારે રાત્રે કતારની રાજધાની દોહા પહોંચ્યા હતા. દોહા પહોંચ્યા બાદ તેમણે કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસિમ અલ થાની સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે કતારના પીએમ સાથે તેમની મુલાકાત શાનદાર રહી. બંને નેતાઓ વચ્ચે ભારત-કતાર મિત્રતાને પ્રોત્સાહન આપવાના માર્ગો પર ચર્ચા થઈ હતી. પીએમ મોદી ગુરુવારે કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે મુલાકાત કરશે. માહિતી અનુસારા મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધો તેમજ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત થશે.

નરેન્દ્ર મોદીની કતારની આ બીજી મુલાકાત
2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની કતારની આ બીજી મુલાકાત છે. આ પહેલા પીએમ મોદી જૂન 2016માં પહેલીવાર કતાર ગયા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે પીએમ મોદીની મુલાકાત કતાર સાથે ઐતિહાસિક અને ગાઢ સંબંધોને પ્રોત્સાહન આપશે. દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા માટે કતારના નેતૃત્વ સાથે વ્યાપક વાટાઘાટો ચાલી રહી છે. પીએમ મોદીની કતાર મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે કતાર સરકારે તાજેતરમાં આઠ ભૂતપૂર્વ ભારતીય નેવીના કર્મચારીની મૃત્યુદંડની સજા માફ કરી છે અને તેમને ભારત આવવાની મંજૂરી આપી છે.

PM મોદીની આ મુલાકાત કેમ મહત્વની?
PM મોદીની કતાર આ મુલાકાત મહત્વની છે. નોંધનીય છે કે અગાઉ કતારે તાજેતરમાં આઠ ભૂતપૂર્વ નૌકાદળ અધિકારીઓને મુક્ત કર્યા છે. જેને જાસૂસીના આરોપમાં લગભગ 18 મહિનાની જેલમાં બંધ કરવામાં આવ્યા હતા, જે ભારત માટે એક મોટી રાજદ્વારી જીત મનવામાં આવે છે. ઓગસ્ટ 2022માં કતારની ગુપ્તચર એજન્સીએ કથિત જાસૂસી કેસમાં દોહામાં એક ખાનગી કંપની સાથે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી. કતારના અધિકારીઓએ ભારતીય નેવી અધિકારીઓ પર સબમરીન પર જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેને જેલમાં મોકલી દીધા હતા. આ કેસમાં તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. નવેમ્બર 2023માં ભારત સરકારે કતારની ઉચ્ચ અદાલતમાં મૃત્યુદંડની સજા વિરુદ્ધ અપીલ દાખલ કરી હતી. રાજદ્વારી રીતે પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કતારની અદાલતે નેવીના આઠ દિગ્ગજ સૈનિકોની મૃત્યુદંડની સજાને રદ કરી હતી. કોર્ટે મૃત્યુદંડની સજા ઘટાડીને જેલની સજા ફટકારી હતી અને ત્યારબાદ ભારત પરત ફરવાનું શક્ય બન્યું હતું.

પીએમ મોદીએ 2016માં કતારની મુલાકાત લીધી હતી
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ છેલ્લે 2016માં કતારની મુલાકાત લીધી હતી અને અગાઉ કતારના અમીર 2015માં ભારતની મુલાકાતે આવ્યા હતા. ગયા વર્ષે 2023એ ભારત અને કતાર વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 50 વર્ષ પૂરા થયા હતા. પીએમ મોદીની મુલાકાત પહેલા કતારમાંથી 8 ભારતીયોની મુક્તિને દેશની મોટી રાજદ્વારી જીત તરીકે પણ જોવામાં આવી રહી છે.