November 18, 2024

બગદાણા યાત્રાધામ બોર્ડના ટ્રસ્ટી મનજીદાદાનું નિધન, PM મોદીએ કર્યું ટ્વીટ

બગદાણા: બગદાણા ગુરુ આશ્રમ યાત્રાધામ બોર્ડના ટ્રસ્ટી મનજીદાદાનું અવસાન થયું છે. તેમનું નિધન સુરતમાં થયું હતું. મનજીદાદાના મૃતદેહને સુરતથી બગદાણામાં લાવવામાં આવશે. મનજીદાદાના નિધનના સમાચારથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઇ છે. ટ્રસ્ટી મનજીદાદાના નિધનને લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી શ્રંદ્ધાજલિ આપી છે.

મળતી માહિતી અનુસાર બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી મનજી દાદાનું સુરત ખાતે દુઃખદ અવસાન થયું છે. મનજીભાઈનો પાર્થિવદેહ સુરતથી બગદાણા લવાશે. પીએમ મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી દુઃખ વ્યક્ત કર્યું છે. ટ્વિટ કરીને પીએમ મોદીએ કહ્યું કે, મનજીદાદાના અવસાનના સમાચારથી દુઃખી છું. સમાજસેવા ક્ષેત્રે તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.

વડાપ્રઘાન નરેન્દ્ર મોદી સિવાય જીતુ વાઘાણીએ પણ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરતા લખ્યું કે, પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાના પરમ ભક્ત, પૂજ્ય મનજીબાપાના પરલોક ગમનના સમાચાર થી શોકગ્રસ્ત છું. તેમનું દેહાવસાન બગદાણા ધામનાં સેવક ગણ માટે અપૂર્ણિય ક્ષતિ છે. આપની સામાજિક અને ધાર્મિક પ્રવૃતિઓ થકી આપ સદા કાળ અમર રહેશો.

આ સિવાય મંત્રી ઋષિકેશ પટેલે પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરતા કહ્યું છે કે, પરમ સદ્દગુરુદેવશ્રી બજરંગદાસ બાપાશ્રીના અનન્ય સેવક અને ગુરૂ આશ્રમ (બગદાણા)ના મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય શ્રી મનજીદાદા કાછડીયાજી ના સ્વર્ગસ્થ થયાના સમાચારથી શોકની લાગણી અનુભવું છું. પરમ કૃપાળુ પરમેશ્વર એમની દિવંગત આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન અને લાખો ભક્તો સહિત પરિજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે એજ પ્રાર્થના.

કોંગ્રેસના શક્તિસિંહ ગોહીલે પણ મનજી દાદાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો હતો. ટ્વિટ કરતા તેમણે જણાવ્યું કે, બજરંગદાસ બાપા આશ્રમ, બગદાણાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મનજીબાપાનું અવસાન અત્યંત દુઃખદ ઘટના છે. તેઓશ્રીએ બગદાણા આશ્રમ અને આશ્રમની પ્રવૃત્તિઓને ખુબજ વેગવંતી બનાવી હતી. મારા સાથેના આત્મીય અને અંગત સબંધો સ્વર્ગસ્થ મનજીબાપાના રહ્યા હતા. તેઓએ હંમેશા મારી રાજકીય કારકિર્દી અને પ્રવૃત્તિમાં પૂર્ણ સહયોગ અને માર્ગદર્શન આપ્યું હતું તે હું કદાપિ નહીં ભૂલી શકુ. તેઓના નિધનથી પરિવાર તેમજ બગદાણા આશ્રમ સેવક સમુદાયને જે ખોટ પડી છે તે ક્યારેય પૂરી નહીં શકાય. પરિવાર ઉપર આવી પડેલા આ દુઃખના સમયે હું મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું અને સ્વર્ગસ્થના આત્માની ચિર શાંતિ માટે પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. સ્વ. મનજીબાપા સાથેના મારા લાગણીશીલ અનેક સંસ્મરણો હંમેશા જીવંત રહેશે. સ્વર્ગસ્થ મનજીબાપાને કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે શ્રદ્ધાંજલિ અર્પું છું.