અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવે તો ઉપાડતા નહીં, નહીંતર…
જામનગરઃ તમને કોઈ અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં વીડિયો કોલ આવે તો ઉપાડતા નહીં, નહીંતર તમે પણ સેક્શટોશનના શિકાર બની શકો છો. હાલ ગુજરાતમાં એક એવી ગેંગ સક્રિય થઈ છે કે જે બધાને અજાણ્યા નંબર પરથી ન્યૂડ વીડિયો કોલ કરે છે અને પછી ધમકાવીને પૈસા પડાવે છે. ત્યારે આ મામલે સાયબર ક્રાઇમ વિભાગે તપાસ હાથ ધરી છે.
આજના યુગમાં સોશિયલ મીડિયા એક બેધારી તલવાર બની ગઈ છે. તમે ધારો તો તેનો સદ્ઉપયોગ કરી શકો છો, નહીં તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે કોઇ મુસીબતમાં પણ પડી શકો છો. ત્યારે જામનગર જિલ્લામાં આવો જ એક કિસ્સો બન્યો છે. જેમાં ન્યૂડ વીડિયો કોલ કરી પૈસા પડાવતી ગેંગ સક્રિય થઈ ગઈ છે.
દેવભૂમિ દ્વારકા પોલીસે એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ ન્યૂડ વીડિયો કોલ કરીને ગુજરાત સહિત અનેક જગ્યાએ સેક્સટોશનના ગુનાને અંજામ આપી ચૂકી છે. આ ગેંગ પીડિત વ્યક્તિને એવું કહીને ધમકાવતી હતી કે, વીડિયો કોલમાં જે યુવતી હતી તેણે આપઘાત કરી લીધો છે, આપઘાત પાછળ તમે જવાબદાર છો. એટલું જ નહીં, ઇન્ટરનેટ પરથી લાશના અને પોલીસના ખોટા ફોટો દેખાડી ધમકાવવામાં આવતા હતા. બાદમાં પીડિત વ્યક્તિ બદનામીના ડરથી આવા લોકોની જાળમાં ફસાઈ જાય છે અને લાખો રૂપિયા પણ આપી દે છે.
જામનગર સાયબર ક્રાઇમ પોલીસ ટીમ સતત સાયબર ક્રાઇમ પર નજર રાખી રહી છે અને ફરિયાદ મળ્યા બાદ તુરંત એક્શન લે છે. એટલું જ નહીં, ન્યૂડ વીડિયો કોલ આવે તો રીસિવ ન કરવા તથા આવી રીતે કોઈ પૈસાની માગણી કરે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવે છે. સાયબર ક્રાઇમ માટે 1930 હેલ્પ લાઇન ચાલુ છે અને ઓનલાઇન પોર્ટલ પર પણ તમે ફરિયાદ દાખલ કરી શકો છો.
શું છે મોડસ ઓપરેન્ડી?
વ્હોટ્સઅપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ્યાં વીડિયો કોલની સુવિધા હોય છે ત્યાં વીડિયો કોલ કર્યા બાદ સામે એક યુવતી નગ્ન હાલતમાં દેખાડી બાદમાં ખંડણી માગવામાં આવે છે. ખંડણી માગતી વખતે ઇન્ટરનેટ પરથી લીધેલા પોલીસકર્મીઓના ફોટો કે આઇડી દેખાડી પીડિતને ધમકાવવામાં આવે છે. આ ગેંગે અત્યાર સુધીમાં અનેક વ્યક્તિને બદનામીનો ડર બતાવીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે.