January 1, 2025

અયોધ્યામાં રામ નવમીની તૈયારીઓ શરૂ, 1 કરોડ ભક્તો પહોંચશે

રામ મંદિર - ફાઇલ તસવીર

અયોધ્યાઃ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોના અયોધ્યા પહોંચવાનો સિલસિલો ચાલુ છે. રામલલાના દર્શન માટે દરરોજ દોઢથી બે લાખ ભક્તો આવી રહ્યા છે. 18 દિવસમાં લગભગ 40 લાખ ભક્તોએ રામલલાના દરબારમાં દર્શન કર્યા અને પૂજા કરી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિરમાં ભીડ સતત ચાલુ રહે છે. આગામી 17 એપ્રિલના રોજ રામ નવમી આવી રહી છે. જેને પગલે વહીવટીતંત્ર અને ટ્રસ્ટે આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. માહિતી અનુસાર રામ નવમીના દિવસે એક કરોડ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવી શકે છે.

નવ દિવસ સુધી કથાઓ, પ્રવચન અને અન્ય ધાર્મિક વિધિઓ થશે
શાસ્ત્રો અનુસાર ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમી તિથિએ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ ચૈત્રી નવરાત્રીના નવમાં અને છેલ્લા દિવસે આવે છે. રામ નવમીનો મેળો નવ દિવસ સુધી ચાલે છે. અયોધ્યામાં નવ દિવસ સુધી ઘણી બધી કથાઓ, પ્રવચન અને અન્ય ધાર્મિક વિધિઓ થશે. આ દિવસે અયોધ્યામાં ઘણી ભીડ થશે. તેને ધ્યાનમાં રાખીને પ્રશાસને અત્યારથી ભીડ નિયંત્રણ યોજના પર કામ શરૂ કરી દીધું છે. બીજી બાજુ ભીડને કારણે શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક માર્ગો તૈયાર કરવામાં આવી રહ્યા છે. રામ નવમીના અવસર પર ભીડને નિયંત્રિત કરવા માટે ક્ષીરેશ્વરનાથ મંદિરની સામે રામ જન્મભૂમિના ગેટ નંબર 3માંથી ભક્તોને બહાર નીકળવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે 40 ફૂટ પહોળો રોડ પણ તૈયાર થઈ ગયો છે. અગાઉ આ રસ્તોના ઉપયોગ અગાઉ વીઆઈપી મુવમેન્ટ માટે થતો હતો.

રામનવમી પર 1 કરોડ ભક્તો રામલલાના દર્શન કરશે
માહિતી અનુસાર મંદિર પરિસરની ઉત્તર દિશામાં નવો રોડ પણ બનાવવામાં આવી રહ્યો છે. રેલવે સ્ટેશનથી રામ જન્મભૂમિ પથને જોડવા માટે સુગ્રીવ પથ તૈયાર કરવાની પણ યોજના છે. ગયા વર્ષે રામ નવમીના દિવસે લગભગ 2.25 લાખ ભક્તોએ અસ્થાયી મંદિરમાં ભગવાન રામ લલ્લાના દર્શન કર્યા હતા અને અયોધ્યામાં 25 લાખ ભક્તોની ભીડ ઉમટી હતી.

અગાઉ રામલલાના દર્શન માટેનો રસ્તો સાંકડો હતો અને મંદિરમાં સુવિધાઓનો અભાવ હતો અને ગર્ભગૃહ પરિસરની ક્ષમતા પણ ઓછી હતી. પરંતુ હવે ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું છે. રામલલા તેમના ભવ્ય સ્થાને બિરાજમાન છે અને સુવિધાઓ પણ વધી છે. આવી સ્થિતિમાં આ આગામી રામ નવમીના અવસર પર 1 કરોડ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચે તેવી શક્યતા છે.

17 દિવસ બાદ ફરી અમિતાભ બચ્ચન પહોચ્યા અયોધ્યા
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપી હતી. અમિતાભ બચ્ચન 17 દિવસ બાદ ફરી અયોધ્યા પહોંચ્યા છે. અભિનેતાની અયોધ્યાની અચાનક મુલાકાત કરી હતી. નોંધનીય છે કે અમિતાભ બચ્ચનએ થોડા સમય પહેલા અયોધ્યામાં લગભગ 14 કરોડ રૂપિયાની જમીન ખરીદી હતી. અમિતાભ બચ્ચન એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા પહોંચ્યા છે. બિગ બી અયોધ્યા ખાતે કલ્યાણ જ્વેલર્સના એક સ્ટોરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા આવ્યા છે. બિગ બી આ જ્વેલરી બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર છે.