May 17, 2024

કોણ છે હલદ્વાની હિંસાનો માસ્ટરમાઇન્ડ? પોલીસે 6ની ધરપકડ કરી

Haldwani Violence

ફાઇલ તસવીર

હલદ્વાનીઃ હલદ્વાની હિંસા (Haldwani Violence)માં દાખલ કરાયેલી ફરિયાદમાં અબ્દુલ મલિકનું નામ સામે આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, સમગ્ર શહેરમાં થયેલી હિંસાનો માસ્ટરમાઇન્ડ તે જ છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ 3 એફઆઈઆર દાખલ કરી છે. જેમાં અબ્દુલ મલિકનું નામ છે. પોલીસ જે જગ્યાએ દબાણ હટાવવા પહોંચી હતી, તે જગ્યાનો માલિક અબ્દુલ મલિક છે.

હલદ્વાની હિંસા મામલે અત્યાર સુધીમાં કુલ ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં અત્યાર સુધીમાં પાંચ અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 50 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, જે લોકોની અટકાયત કરવામાં આવી છે, તે લોકોનું લોકેશન હિંસાવાળી જગ્યાએ હતું કે નહીં તેની તપાસ ચાલુ છે. હવે એફઆઈઆરમાં અબ્દુલ મલિકનું નામ સામે આવ્યું છે. તેને જ હિંસાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે.

પોલીસે કહ્યું – કાવતરાની આશંકા
નીતાલના ડીએમ વંદના સિંહ બાદ હવે રાજ્યના ડીજીપી અભિનવ કુમારે પણ કાવતરાની વાત કરી છે. હલદ્વાની પહોંચીને પ્રાથમિક તપાસ બાદ ડીજીપીએ કહ્યુ કે, જે રીતે હુમલો કરવામાં આવ્યો છે, તેની પાછળ કોઈકનું કાવતરું છે. તેની તપાસ ચાલુ છે. તેમણે આરોપીઓ સામે કડક પગલાં લેવાની વાત કરી છે. ડીજીપીએ કહ્યુ કે, જે લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને હુમલો કર્યો, તે બધા પર ગણીગણીને કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યુ કે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને એનએસએ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે, કર્ફ્યૂ લગાવવાથી સ્થિતિ ઘણી હદ સુધી નિયંત્રણમાં આવી ગઈ છે.

કેમ ફાટી નીકળી હિંસા?
વનભૂલપુરાના મલિકના બગીચા વિસ્તારની નજૂલ જમીન પર અતિક્રમણ છે. કોર્ટના આદેશ પછી છેલ્લા કેટલાક દિવસથી નગરનિગમની ટીમે અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન કેટલાક ભવનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. દબાણ હટાવતી વખતે ત્યાં મદરેસા અને નમાઝ સ્થળ પણ હોવાથી નગરનિગમે તેને તોડવાની કામગીરી ચાલુ કરી હતી. મદરેસા અને નમાઝ સ્થળને સીલ માર્યું હતું. ગુરુવારે તંત્ર અને નગરનિગમની ટીમે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે પહોંચી દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરી હતી. આ દરમિયાન વિસ્તારમાં માહોલ તંગ થઈ ગયો હતો. દબાણ હટાવવા માટે ગયેલી ટીમ પર પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે લાઠીચાર્જ કરી ભીડને હટાવવાની કોશિશ કરી હતી, પરંતુ હાલત વધુ ખરાબ થઈ રહી હતી. એક ડઝન કરતાં વધુ વાહનોમાં આગચંપી કરવામાં આવી હતી. ઉપદ્રવીઓએ પોલીસ સ્ટેશનને પણ આગ લગાવી નાંખી હતી.