સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદની હત્યા મામલે ચુકાદો, 10 દોષિતોને આજીવન કેદની સજા

અમદાવાદઃ સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યા મામલે કોર્ટે 10 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2006માં અમદાવાદમાં પંકજ ત્રિવેદીની હત્યા કરવામાં આવી હતી. તેમણે સ્વાધ્યાય પરિવારમાં ચાલી રહેલી ગેરરીતિ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. તે કારણોસર તેમની હત્યા કરવામાં આવી હતી. આ મામલે વર્ષ 2009માં દાખલ થયેલા કેસ મામલે 16 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે.
સમગ્ર ઘટના શું હતી?
પંકજ ત્રિવેદી મૂળ અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા હતા. તેમણે અમદાવાદમાં આવીને જયશ્રી તલવરકરની સામે જંગ છેડ્યો હતો. તેમણે સ્વાધ્યાય પરિવારની રીતરસમો સહિત ભ્રષ્ટાચાર સામે સરેઆમ અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે તેમને વારંવાર મોતની ધમકી પણ આપવામાં આવતી હતી. તે છતાં તેમણે જંગ ચાલુ રાખ્યો હતો. તેમણે સ્વાધ્યાય પરિવાર સામે અલગ અલગ 25 જેટલા દાવા દાખલ કર્યા હતા. તે દરમિયાન વર્ષ 2006માં 15મી જૂને એલિસબ્રિજ જિમખાના નજીક પંકજ ત્રિવેદી પર હુમલો કરી આરોપીઓએ મોતને ઘાટ ઉતાર્યા હતા.