February 27, 2025

યાત્રાધામ અંબાજીમાં મહાશિવરાત્રી નિમિત્તે દેવાધિદેવ મહાદેવ પાલખીમાં સવાર થઈ નીકળ્યા નગરયાત્રાએ

અંબાજી: મહાશિવરાત્રી નિમિત્તે આજે શક્તિપીઠ અંબાજી ખાતે મહાદેવની પાલખીયાત્રા નીકળી હતી. જેમાં શિવભક્તોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ પાલકીયાત્રા પરશુરામ મહાદેવથી મહાઆરતી કર્યા બાદ શરૂ થઈ હતી. ત્યાંથી પ્રસ્થાન થઈ પાલખીયાત્રા સૌપ્રથમ આદ્યશક્તિ મા અંબાના નિજ મંદિરમાં પહોંચી હતી. ત્યારે જાણે શિવ અને શક્તિનું મિલન થતું હોય એવું સુંદર દૃશ્ય સર્જાયું હતું.

અંબાજી મંદિરનો ચાચર ચોક હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો હતો. ત્યાર બાદ પાલખીયાત્રા અંબાજીમાં આવેલા દરેક શિવાલય પહોંચી હતી, ત્યારે દરેક શિવાલયના ભૂદેવો દ્વારા મહાદેવનું પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શિવભક્તો પાલખીયાત્રામાં શિવ ભક્તિમાં લિન જોવા મળ્યા હતા, જાણે દેવાધિદેવ મહાદેવ નંદી ઉપર સવાર થઈ પરણવા નીકળ્યા હોય તેવા ઉત્સાહ સાથે શિવભક્તો નાચતા ગાતા જોવા મળ્યા હતા. આ પાલખી યાત્રા કૈલાશ ટેકરી મહાદેવ ખાતે પૂર્ણ થશે. ત્યાર બાદ શાંતેશ્વર મહાદેવની 108 દિવાની મહાઆરતી યોજાશે અને રાત્રે 12 કલાકે ભસ્મ આરતી પણ થશે.