December 19, 2024

નરેન્દ્ર મોદીએ સંસદમાં વાંચ્યો જવાહરલાલ નહેરુનો પત્ર…

narendra modi rajyasabha live speech said congress will not win 40 seats

ફાઇલ તસવીર

PM Narendra Modi Rajya Sabha Speech Live: સંસદમાં બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાષણ આપ્યું હતું અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યુ હતુ કે, મારો અને દેશનો વિશ્વાસ પાક્કો થઈ ગયો છે કે, વિપક્ષે ઘણાં સમય સુધી ત્યાં જ બેસવાનો સંકલ્પ લીધો છે. જેમ કેટલાય દશકો સુધી સત્તા પક્ષમાં બેઠા હતા, તેવી જ રીતે કેટલાય દશકો સુધી વિપક્ષમાં બેસવા માટેનો તમારો સંકલ્પ જનતા જનાર્દન જરૂર પૂરી કરશે.

દેશના વિકાસ માટે રાજ્યોનો વિકાસ જરૂરીઃ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, દેશના વિકાસ માટે રાજ્યનો વિકાસ જરૂરી. આપણે રાજ્યોના વિકાસથી જ દેશનો વિકાસ કરી શકીશું. હું તમને વિશ્વાસ અપવવા માગુ છું કે, રાજ્ય જો એક ડગલું ભરશે તો અમે બે ડગલાં ભરીશું. મેં તો હંમેશા કહ્યુ છે કે, આપણે રાજ્યો સાથે સકારાત્મક વિચાર સાથે ચાલવાની જરૂર છે. રાજ્યોને ક્રેડિટ લેવાનો પૂરેપૂરો અધિકાર છે.

રાહુલ ગાંધી પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, તેમણે યુવરાજને એક સ્ટાર્ટઅપ બનાવીને આપ્યું છે. અત્યારે તો નોન સ્ટાર્ટર છે. ના તો લિફ્ટ થઈ રહ્યું છે, ના તો લોન્ચ થઈ રહ્યું છે.

PSUsની નેટવર્થ વધીને 17 લાખ કરોડ થઈઃ મોદી

વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, PSUની નેટ પ્રોફિટ સવા લાખ રૂપિયા હતું, જે વધીને અઢી લાખ કરોડ થઈ ગયું છે. અમારા 10 વર્ષમાં નેટવર્થ 9.5 લાખ કરોડથી વધીને 17 લાખ કરોડ થઈ ગઈ છે. પીએસયૂ બંધ થવાનો ખોટો પ્રચાર કર્યો હતો. તેઓ જ્યાં હાથ અડાડે, તેનું ડૂબવું નક્કી થઈ જાય છે. અમે મહેનત કરીને આટલી પ્રતિષ્ઠા વધારી છે. બજારમાં એવી અફવાઓ ન ફેલાવવી જોઈએ કે, સામાન્ય રોકાણકારોને પણ નુકસાન થાય.

જી20 બેઠકો અલગ અલગ રાજ્યોમાં કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, અમે ઇચ્છતા તો જી20 બેઠકો દિલ્હીમાં કરી શકતા હતા, પરંતુ અમે એવું ન કર્યું. અમે રાજ્યોને પણ તક આપી. અમે વિદેશથી આવેલા મહેમાનોને અલગ અલગ જગ્યાએ લઈ ગયા હતા.

ફ્રાન્સના રાષ્ટ્રપતિને ફરાવવા મામલે બોલ્યા મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, 26 જાન્યુઆરીએ કેટલું કામ હોય છે, તે છતાં હું 25મી જાન્યુઆરીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિને જયપુરની ગલીઓમાં ફરવા લઈ ગયો હતો, જેથી દુનિયાને ખબર પડે કે અમારું રાજસ્થાન કેવું છે.

LICના શેર પર મોદી શું બોલ્યા

LICને લઈને કેવા કેવા નિવેદનો આપે છે. તેનું આમ થઈ ગયું-તેમ થઈ ગયું. કોઈ વસ્તુને બરબાદ કરવી છે, જૂઠ્ઠાણું ફેલાઓ, ભ્રમ ફેલાવો. ગામમાં કોઈનો મોટો બંગલો લેવાનું મન થાય તો એવી અફવા ફેલાવી દે છે કે, ભૂતિયા બંગલો છે. LICને લઈને પણ આવી અફવાઓ ફેલાવી હતી. હું છાતી ફુલાવીને કહેવા માગું છું કે, આજે LICના શેર રેકોર્ડ સ્તર પર ટ્રેડ કરી રહ્યા છે.

વડાપ્રધાને સંસદમાં જણાવ્યો સરકારી કંપનીઓનો હાલ

સરકારી કંપનીઓને લઈને અમારા પર કેવાં-કેવાં આરોપ લગાવવામાં આવ્યા હતા. ધડ-માથા વગરના આરોપ લગાવવામાં આવ્યા હતા. દેશને યાદ છે કે મારૂતિના શેરમાં શું ચાલી રહ્યું છે. હું આઝાદ ભારતમાં પેદા થયો છું. મારા વિચારો આઝાદ છે અને સપના પણ આઝાદ છે. જે ગુલામી માનસિકતા હેઠળ જીવનારા છે, તેમની પાસે અન્ય કોઈ વસ્તુઓ નથી. એ જ જૂના કાગળો લઈને ફરી રહ્યા છે. કોંગ્રેસે કહ્યુ કે, અમે પીએસયૂ ડૂબાડી દીધા. યાદ કરો, બીએસએનએલ અને એમટીએનએલને ડૂબાડનારા કયા લોકો છે. HALની દુર્દશા શું નાંખી છે. ચૂંટણી લડવા માટેનો એજન્ડા તૈયાર હતો, આ હાલત કોણે કરી હતી. કોંગ્રેસ અને યુપીએ 10 વર્ષની બરબાદીથી મોઢું ફેરવી શકશે નહીં.

બાબા સાહેબને ભારત રત્ન આપવાની પણ તૈયારી નહોતીઃ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, બાબા સાહેબના વિચારોને ખત્મ કરવા માટે આ લોકોએ કોઈ કસર બાકી નહોતી રાખી. તેમને ભારત રત્ન આપવાની પણ તૈયારી નહોતી. ભાજપના સમર્થન અને સરકાર બની ત્યારે બાબા સાહેબને ભારત રત્ન મળ્યો. તેટલું જ નહીં, અતિપછાત સમાજમાંથી આવનારા સીતારામ કેસરીને ઉઠાવીને ફૂટપાથ પર ફેંકી દીધા હતા. એ વીડિયો પણ ઉપલબ્ધ છે અને દેશે જોયો છે.

વડાપ્રધાન મોદીએ સેમ પિત્રોડા પર પ્રહાર કરતા કહ્યુ કે, તેમના એક માર્ગદર્શક અમેરિકામાં બેઠા છે, જે છેલ્લી ચૂંટણીમાં થાય તો થાય માટે ફેમશ થઈ ગયા હતા. કોંગ્રેસના આ પરિવારના ખૂબ નજીકના છે. તેમણે ક્યારેક ક્યારેક બાબા સાહેબના યોગદાનને ઓછું ગણાવવા માટે ભરપૂર પ્રયત્નો કર્યા. દેશમાં પહેલીવાર એનડીએએ એક આદિવાસી દીકરીને રાષ્ટ્રપતિ બનાવી છે.

જમ્મુ-કાશ્મીરમાં એસસી-એસટી-ઓબીસીને અમે અધિકારી આપ્યાઃ મોદી

વડાપ્રધાને કોંગ્રેસ પર એસસી-એસટી અને ઓબીસીને અનામત ન આપવા મામલે પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરને કોંગ્રેસે સિત્તેર વર્ષ સુધી તેમના અધિકારોથી વંચિત રાખ્યા હતા. કલમ 370 હટાવી ત્યારે જઈને તેમને અધિકારો મળ્યા. જમ્મુ કાશ્મીરમાં તેમના કેટલાય અધિકાર નહોતા, જે અમે 370ની કલમ હટાવીને અપાવ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, દેશને જણાવવા માગુ છું કે, સ્થાનિક સંસ્થાઓ માટે ઓબીસી અનામતનું બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે.

વડાપ્રધાન મોદીએ નહેરુજીની ચિઠ્ઠી વાંચી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, કોંગ્રેસ છેલ્લા ઘણાં દિવસથી જાતિઓની વાત કરે છે. એમને કેમ જરૂર પડી એ હું નથી જાણતો. પહેલાં તેમણે પોતાનામાં જોવાની જરૂર છે. દલિત, આદિવાસી અને પછાત કોંગ્રેસની જન્મજાત તેમની વિરોધી રહી છે. હું વિચારું છું કે, બાબા સાહેબ ન હોત તો એસસી/એસટીને અનામત મળતી કે નહીં. તેમના વિચાર આજથી નહીં, પહેલેથી જ એવા છે, મારી પાસે પુરાવો છે. જ્યારે વાતો ત્યાંથી શરૂ થઈ છે, તો તેમણે તૈયારી પણ રાખવી જોઈએ. હું નહેરુજીને બહુ આદરપૂર્વક યાદ કરું છું. એકવાર નહેરુજીએ મુખ્યમંત્રીઓને ચિઠ્ઠી લખી હતી. તેમાં તેમણે લખ્યુ હતુ કે, હું ક્યારેય કોઈ આરક્ષણને પસંદ નથી કરતો અને નોકરીમાં અનામત તો ક્યારેય નહીં. હું એવા કોઈપણ પગલાંનો વિરોધ કરું છું કે જે અકુશળતાને વેગ આપે, જે નીચલા સ્તરે લઈ જાય. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યુ કે, તે વખતની સરકારમાં ભરતી કરવામાં આવી હોત અને ત્યારબાદ પ્રમોશન કરતા આગળ વધ્યા હોત તો તેઓ આજે અહીં સુધી પહોંચ્યા હોત.

કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આ વખતે કોંગ્રેસ 40 પાર નહીં જાય. કોંગ્રેસ પાર્ટીના વિચારો પણ આઉટડેટેડ થઈ ગયા છે. જ્યારે વિચારો જૂના થઈ જાય ત્યારે તેમણે કામકાજ પણ આઉટડેટેડ કરી નાંખ્યા છે. જોતજોતામાં જ મોટો પક્ષ, આટલા દિવસો સુધી રાજ કરનારો પક્ષ અને આવી રીતે પછડાય! અમારી તમારા પ્રતિ સંવેદનાઓ છે, પરંતુ ડોક્ટર શું કરશે જ્યારે દર્દી પોતે… હવે આગળ શું બોલું…

આ લોકો વોકલ ફોલ લોકલ બોલવાથી ભાગે છેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, કોંગ્રેસે નેરેટિવ ફેલાવ્યુ છે અને તેનું પરિણામ શું આવ્યું, ભારતમાં સંસ્કૃતિ અને સભ્યતા માનનારા લોકોને હીન માનવા લાગ્યા. તેનાથી આપણાં ભવ્ય ભૂતકાળને અન્યાય સહન કરવો પડ્યો. આપણી જ માન્યતાઓને ગાળો પડવા લાગી. જો તમે તમારી સંસ્કૃતિને જ ગાળો આપો છો તો તમે પ્રોગ્રેસિવ છો. આ પ્રકારે નેરેટિવ વધવા લાગ્યા. તેનું નેતૃત્વ ક્યાંથી થતું હતું તે આખી દુનિયા જાણે છે. બીજા દેશમાંથી આયાત કરવું અને ભારતની કોઈ વસ્તુ ઉતરતી કક્ષાની છે. આ લોકો આજે પણ વોકલ ફોર લોકલ બોલવાથી ભાગે છે.

વડાપ્રધાનનો UPA પર હુમલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, અહીં એક ફરિયાદ હતી કે, તેમને લાગે છે કે અમે એવું કેમ કહીએ છીએ, કેમ જોઈએ છે. વડાપ્રધાન મોદીએ યુપીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, યુપીએ સરકારના તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યુ હતુ કે, ‘સભ્યો જાણે છે કે, અમારી ગ્રોથ ધીમી થઈ ગઈ છે અને ફિઝિકલ ડેફિસિટ વધી ગઈ છે. મોંઘવારી દર બે વર્ષે સતત વધી રહી છે. કરંટ એકાઉન્ટ ડેફિસિટ અમારી આશાઓથી ઘણું વધારે થઈ ગયું છે.’

વડાપ્રધાન મોદીનો રાહુલ ગાંધી પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, કોંગ્રેસ 10 વર્ષમાં 11મા નંબર પર દેશને લાવી શકી હતી. અમે 10 વર્ષમાં 5મા નંબરે લઈ આવ્યા. આ કોંગ્રેસ આર્થિક નીતિઓ પર ભાષણ સંભળાવતું હતું. જેણે સામાન્ય વર્ગના ગરીબોને ક્યારેય અનામત આપી નહોતી. જેણે બાબા સાહેબને ભારત રત્ન આપ્યો નહોતો, જેણે દેશના રસ્તા-ગલી પર પોતાના પરિવારના નામ લખી નાંખ્યા હતા. તે અમને સામાજિક ન્યાય મામલે ભાષણ આપતી હતી. જે કોંગ્રેસના પોતાના નેતાની કોઈ ગેરંટી નથી, તેની નીતિની કોઈ ગેરંટી નથી, તે મોદી સરકારની ગેરંટી પર સવાલ કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, અમારા 10 વર્ષ ટોપ 5 ઇકોનોમીવાળા છે. અમારા મોટા અને નિર્ણાયક ફેંસલાને યાદ રાખવામાં આવશે. અમે બહુ મહેનત કરીને આ દેશને સંકટભરી સ્થિતિમાંથી બહાર લાવ્યા છીએ. આ દેશ એમનેમ અમને આશિર્વાદ નથી આપતો!

આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને કોટ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ‘ટેક્સ કલેક્શનમાં ભ્રષ્ટાચાર થાય છે. તેથી જીએસટી લાવવો જોઈએ. રાશન યોજનામાં લિકેજ થાય છે, તેનાથી દેશના મોટાભાગના ગરીબો પીડિત છે. તેને રોકવા માટેના ઉપાયો વિચારવા જોઈએ. સરકારી કચેરીઓ જે રીતે આપવામાં આવે છે, તેના પર શંકા જાય છે.’ વડાપ્રધાને કહ્યુ કે, આ પહેલાં તેમના જ પૂર્વ વડાપ્રધાને કહ્યુ હતુ કે, એક રૂપિયો મોકલીએ ત્યારે 10 પૈસા પહોંચે છે.