May 3, 2024

શરદ પવાર પહેલા જ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અજિત પવાર, કેવિયેટ દાખલ કરી

નવી દિલ્હી : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની સત્તા સંભાળ્યા બાદ અજિત પવાર હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. અજિત જૂથે કેવિયેટ દાખલ કરીને કોર્ટને અપીલ કરી છે કે જો શરદ પવારના જૂથ વતી ચૂંટણી ચિન્હ સંબંધિત અપીલ દાખલ કરવામાં આવે તો તેમની બાજુ પણ સાંભળવામાં આવે. અમે તમને જણાવી દઈએ કે વાદી દ્વારા કેવિયેટ અરજી દાખલ કરવામાં આવે છે જેથી ખાતરી કરવામાં આવે કે તેની અરજી સાંભળ્યા વિના તેની વિરુદ્ધ કોઈ આદેશ પસાર ન થાય.

શરદ પવાર ચૂંટણી પંચ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે
નોંધનીય છે કે ચૂંટણી પંચે અજિત પવાર જૂથને અસલી એનસીપી તરીકે જાહેર કર્યું છે અને તેમને ચૂંટણી પ્રતીક ઘડીયાળ પણ તેમને સોંપી દીધું છે. શરદ પવાર જૂથે ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જવાની જાહેરાત કરી છે. જો કે શરદ જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કોઈ અપીલ દાખલ કરવામાં આવી નથી. શરદ જૂથ પહેલા પણ અજીત જૂથે આજે સુપ્રીમ કોર્ટમાં પહોંચીને કેવિયેટ દાખલ કરી દીધી છે.

પ્રિયંકા ચતુર્વેદીએ ભાજપ પર નિશાન સાધ્યું
એનસીપીના નામ અને ચૂંટણી ચિન્હના મામલે અજિત પવારના પક્ષમાં ચૂંટણી પંચના ચુકાદા પર શિવસેના (યુબીટી)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે આખા દેશમાં એવું વાતાવરણ સર્જાયું છે કે ‘પૈસા ફેંક તમાશા દેખ’ અને સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે, ધારાસભ્યોની ખરીદી થઈ રહી છે. વધુમાં કહ્યું કે શરદ પવાર વરિષ્ઠ નેતા છે અને તેઓ આ લડાઈ પણ હિંમતથી લડશે.

આ પણ વાંચો : ‘ભત્રીજા’ એ ‘કાકા’ને આપી પછડાટ… NCP તો અજીતની ની જ

શરદ પવાર જૂથે આ વાત કહી હતી
શરદ પવારના જૂથના જયંત પાટીલે મંગળવારે કહ્યું હતું કે અજિત પવારની અસલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરીકે જાહેર કરવાના ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવશે. વધુમાં પાટીલે કહ્યું, અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું કારણ કે તે અમારી છેલ્લી આશા છે. અમને આશા છે કે સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચના નિર્ણય પર રોક લગાવશે. આપણે શરદ પવારની પાછળ મક્કમતાથી ઊભા રહેવું પડશે. પાર્ટીના કાર્યકરોએ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે એનસીપીની સ્થાપના શરદ પવાર દ્વારા કરવામાં આવી હતી, તેમણે તેનો વિકાસ પાયાના સ્તરે કર્યો અને ઘણા નેતાઓને રાજકીય કારકિર્દીમાં આગળ વધવામાં મદદ કરી છે.