મણિપુરમાં ભારે તણાવ, 3 મંત્રીઓ, 6 ધારાસભ્યોના ઘર પર હુમલો, CMના જમાઈનું ઘર સળગાવ્યું
Manipur violence: મણિપુરમાં સ્થિતિ ફરી કાબૂ બહાર જવા લાગી છે. જીરીબામ જિલ્લામાં એક નદીમાંથી છ ગુમ થયેલા લોકોના મૃતદેહ મળ્યાના કલાકો બાદ રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી. પ્રદર્શનકારીઓએ શનિવારે ત્રણ મંત્રીઓ અને છ ધારાસભ્યોના ઘર પર હુમલો કર્યો હતો. જેના પગલે રાજ્ય સરકારે પાંચ જિલ્લામાં કર્ફ્યુ લાદી દીધો હતો અને કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી હતી. અધિકારીઓએ કહ્યું કે રાજ્યમાં સ્થિતિ વણસી રહી છે.
સીએમના જમાઈના ઘર પર પણ હુમલો કર્યો
દેખાવકારોએ મુખ્યમંત્રી એન બિરેન સિંહના જમાઈના ઘર સહિત ત્રણ ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ કરી હતી. હિંસક ટોળાએ ધારાસભ્યોના ઘરોને આગ ચાંપી દીધી હતી. જવાબમાં સુરક્ષા દળોએ દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો હતો.
આ મંત્રીઓના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો
વિરોધીઓ દ્વારા જે મંત્રીઓના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા તેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી સપમ રંજન, વપરાશ અને જાહેર વિતરણ મંત્રી એલ સુસિન્દ્રો સિંહ અને શહેરી વિકાસ મંત્રી વાય ખેમચંદના રહેઠાણોનો સમાવેશ થાય છે. વધતી હિંસાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ, બિષ્ણુપુર, થૌબલ અને કાચિંગ જિલ્લામાં કર્ફ્યુ લાદી દીધો છે.