November 17, 2024

લિવ ઇન રિલેશનશિપ: વટવામાં પ્રેમિકાએ ગળું દબાવીને પ્રેમીની કરી હત્યા

મિહિર સોની, અમદાવાદ: શહેરના વટવામાં વિસ્તારમાં પ્રેમીનું ગળું દબાવીને પ્રેમિકાએ કરી હત્યા કરી. પ્રેમિકાએ તેમના પુત્ર સાથે મળીને મૃતદેહને ફેંકી દીધો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને માતા અને પુત્રની ધરપકડ કરી છે. લિવ ઇન રિલેશનશિપ દરમિયાન નશામાં ધૂત પ્રેમીનો માર સહન નહીં થતા પ્રેમિકાએ હત્યા કરી હતી.

આરોપી સંતોષબેન સોલંકી અને વિનેશ સોલંકીની હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ માતા-પુત્રએ ઈરફાન જુનાણી નામના વ્યક્તિની હત્યા કરીને લાશને સગેવગે કરીને ફરાર થઇ ગયા હતા. વટવા પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી હત્યાનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો 45 વર્ષીય ઈરફાન જુનાણી નામના વ્યક્તિની વટવામાં બુલેટ ટ્રેનના પિલલર નજીક હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. વટવા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા જાણાવ મળ્યું કે, મૃતકની પ્રેમિકા સંતોષબેન સોલંકી સાથે કેડીલા બ્રિજ નજીક ઝઘડો થયો હતો. આરોપી મહિલાને મારવા જતા તેને ધક્કો મારતા તેના માથાના ભાગે વાગ્યું હતું, એટલે મહિલા આરોપીએ રોષે ભરાઇને દુપ્પાટાથી મૃતકનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને 20 વર્ષના દીકરા વિનેશની મદદ લઈને રિક્ષામાં મૃતદેહ લઈ સગેવગે કર્યો હતો. વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી માતા પુત્રની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક ઇરફાન જુનાણી આગાઉ AMTSમાં કોન્ટ્રાક્ટ પર ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. પત્ની સાથે મનમેળ નહીં મળતા એકલો અમદાવાદમાં રહેતો હતો, જ્યારે આરોપી સંતોષબેન સોલંકીના પતિ 12 વર્ષ પહેલા હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા અને સંતોષબેન પુત્ર સાથે એકલવાયું જીવન જીવતી હતી. વર્ષ 2022માં મુખ્યમંત્રી સ્વનિધિ લોન મેળાના કાર્યક્રમમાં આરોપી સંતોષબેન અને મૃતક બન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે પ્રેમસંબંધ બધાંતા ઈરફાન અને સંતોષબેન લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. મૃતકને દારૂ પીવાની ટેવ હતી. જેથી બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હતો. મૃતક ઈરફાન આરોપીને માર મારતો હતો. જેથી મહિલા આરોપીના મારથી કંટાળી હતી. ઘટનાના દિવસે પણ મહિલાને મારવા જતા તેને ધક્કો મારીને હત્યા કરી દીધી હતી. વટવા પોલીસે હત્યા કેસમાં માતા-પુત્રની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કર્યા છે. પોલીસે હત્યાના ઉપયોગમાં લીધેલી રીક્ષા અને દુપપટ્ટા કબ્જે લઈને વધુ તપાસ શરૂ કરી છે.