November 16, 2024

ગીર સોમનાથમાં ફેલાયો ‘પાંદડીયો વીંછી’, જો કરડશે તો…; જાણો તમામ માહિતી

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાંદડીયા વીંછી નામનો નવો રોગ જોવા મળ્યો છે. ખેડૂતો અને નિષ્ણાતોના કહેવા મુજબ આ ખૂબ જ ખતરનાક રોગ છે અને તે માણસ હોય કે ઢોર તેને ગંભીર બીમાર કરી શકે છે. અમુક સમય અગાઉ ધાવા વિસ્તારમાં ગાયોનાં મૃત્યુ થયા હતા. તેનું પણ આ જ કારણ જોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલાનાં ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં પાંદડીયા વીંછી નામનો રોગ જોવા મળી રહ્યો છે. જેને લઇને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. બગીચાઓમાં પણ દવાના છંટકાવ સિવાય કામ કરી શકાતું નથી. ખેડૂતોનું કહેવું છે કે, જે આજથી 10થી 15 વર્ષ પહેલાં આ વીંછી જોવા મળ્યો હતો. ત્યારબાદ ફરી હમણાં જોવા મળ્યો છે.

માધુપુર ગીરના ખેડૂત અગ્રણીનું કહેવું છે કે, આ વીંછી એટલો ખતરનાક છે કે તે કરડી લે, ખંજવાડ આવે છે અને સીધું માણસને દવાખાને જવું પડે છે. ઢોરને પણ હાલ ખેતરમાં ચરવા ન દેવા. અમુક દિવસો અગાઉ ધાવા ગામે પણ 10થી વધુ ગાયોના શંકાસ્પદ મોત થયા છે, તેનું પણ કારણ આ જ માનવામાં આવી રહ્યું છે. મોટાભાગે આ પાંદડીયો વીંછી આંબાના પાનમાં રહે છે અને તમે નજીક જાવ તો કરડે છે, જેના લીધે ખંજવાડ આવે છે અને ફોડલાઓ થાય છે.

બાયાગત અધિકારી અને નિષ્ણાંતનું કહેવું છે કે, ઓક્ટોબર મહિનામાં તાલાલા વિસ્તારમાં એક અનોખી જીવાત જોવા મળી છે. જેનું અંગ્રેજી નામ છે સ્લગ કેટરીપિલર જેને ખેડૂતો સામાન્ય ભાષામાં પાંદડીયો વીંછી કહે છે. આ જીવાતનો ઉદ્ભવ ઓકટોબર મહિનામાં વધારે જોવા મળ્યો હતો અને તે પાનને આખું ચાવી જાય છે. જેના નિવારણ માટે પણ અમુક દવાઓ ખેડૂતોને સૂચવવામાં આવી હતી.